અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત વિશે કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીઓએ વૈશ્વિક સ્તરે મોટો વિવાદ છેડ્યો છે. ટ્રમ્પની આ ટિપ્પણીઓ સામે માત્ર ભારતે જ નહીં, પરંતુ ઈરાને પણ તીખી પ્રતિક્રિયા આપી છે. ઈરાનના મુંબઈ સ્થિત મિશને સોશિયલ મીડિયા પર ટ્રમ્પને આડે હાથ લેતા સલાહ આપી છે કે તેમણે "બકવાસ કરવાનું બંધ કરી ક્યારેક ભારતની મુલાકાત લેવી જોઈએ."

શું છે સમગ્ર વિવાદ?

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં રૂઢિચુસ્ત પોડકાસ્ટ હોસ્ટ માઈકલ સેવેજના વિચારોને ટાંકવામાં આવ્યા હતા. પોસ્ટમાં અમેરિકાના બર્થરાઈટ સિટીઝનશિપ કાયદાની આકરી ટીકા કરવામાં આવી હતી અને ભારત તથા ચીન જેવા દેશો માટે "નરકના ખાડા" (Hellholes) જેવા અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આટલું જ નહીં, ટિપ્પણીમાં ભારતીય ટેક ઉદ્યોગ પર પણ નિશાન સાધવામાં આવ્યું હતું. તેમાં આક્ષેપ કરાયો હતો કે અમેરિકામાં કાર્યરત ભારતીયો અમેરિકન નાગરિકોને નોકરીએ રાખતા નથી અને ભારતીયોને અંગ્રેજીનું જ્ઞાન નથી.

ઈરાની મિશનનો વળતો પ્રહાર

ઈરાનના મુંબઈ મિશને આ મુદ્દે અત્યંત કટાક્ષપૂર્ણ વલણ અપનાવ્યું. એક્સ (X) પર કરેલી પોસ્ટમાં તેમણે લખ્યું કે, ટ્રમ્પને કદાચ 'સાંસ્કૃતિક ડિટોક્સ' (Cultural Detox) ની જરૂર છે જેથી તેમનો પાયાવિહોણો બકવાસ ઓછો થઈ શકે. ઈરાની દૂતાવાસે મહારાષ્ટ્રના સુંદર પ્રવાસન સ્થળોના ફોટા શેર કરીને ટ્રમ્પને આમંત્રણ આપ્યું કે તેઓ ભારત આવે અને અહીંની ભવ્યતા અને સંસ્કૃતિને પ્રત્યક્ષ નિહાળે, પછી જ કોઈ નિવેદન આપે.

ભારત સરકાર અને અમેરિકાનું વલણ

ભારતીય વિદેશ મંત્રાલયે આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું હતું કે આવી ટિપ્પણીઓ ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત અને પરસ્પર આદરના સંબંધોની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતી નથી. આ નિવેદનો તદ્દન ખોટા અને અયોગ્ય છે.

અમેરિકી દૂતાવાસે પરિસ્થિતિ વણસતા કર્યા ભારતના વખાણ

પરિસ્થિતિ વણસતી જોઈ અમેરિકી દૂતાવાસે બચાવ કરતા જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતને એક મહાન રાષ્ટ્ર માને છે અને વડાપ્રધાન મોદી તેમના સારા મિત્ર છે. આ વિવાદ એવા સમયે સર્જાયો છે જ્યારે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો ભારતની મુલાકાતે આવવાના છે.

આ પણ વાંચોઃ Trump Statement:ટ્રમ્પે કહ્યું ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવાની ઉતાવળ નથી,સમજૂતી નહીં થાય તો પરિણામ ખરાબ આવશે.