અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવાની તેમને કોઈ ઉતાવળ નથી. ટ્રમ્પે જણાવ્યું કે વાતચીત લાંબી ચાલી રહી છે અને અમેરિકા પોતાની જાતને કોઈ ચોક્કસ સમયમર્યાદામાં બાંધવા માંગતું નથી.
પરમાણુ હથિયારો અંગે ટ્રમ્પનું નિવેદન
જ્યારે ટ્રમ્પને પરમાણુ હુમલા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે હાલમાં તેઓ ઈરાન વિરુદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે નહીં. તેમણે કહ્યું, "આવા હથિયારોનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં થવો જોઈએ નહીં." ટ્રમ્પે ઉમેર્યું કે હવે માત્ર એ જોવાનું બાકી છે કે કોઈ સમજૂતી થાય છે કે નહીં. જો સમજૂતી નહીં થાય, તો ફરીથી હુમલા કરવામાં આવશે.
ઈરાની સેના સંપૂર્ણપણે પરાજિત
ટ્રમ્પે ઈરાનની સૈન્ય ક્ષમતા પર આકરા પ્રહારો કરતા કહ્યું,ઈરાની સેના અત્યારે સંપૂર્ણપણે પરાજિત થઈ ચૂકી છે.તેમની પાસે માત્ર તોપોવાળી નાની નૌકાઓ છે, જેને અમે જોતાની સાથે જ ખતમ કરી દઈશું,તેમની નૌકાદળ, વાયુદળ અને એર-ડિફેન્સ સિસ્ટમ નષ્ટ થઈ ગઈ છે.ઈરાનનું નેતૃત્વ વેરવિખેર છે અને તેઓ અંદરોઅંદર લડી રહ્યા છે.
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું નિયંત્રણ
ટ્રમ્પે દાવો કર્યો કે હોર્મુઝ સ્ટ્રેટ હાલમાં બંધ છે અને તેના પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે. તેમણે કહ્યું, "ઈરાનીઓ હોર્મુઝ ખોલવા માટે તૈયાર હતા, પરંતુ મેં ના પાડી. જો અમે અત્યારે હોર્મુઝ ખોલીએ તો ઈરાન દરરોજ 500 મિલિયન ડોલર કમાશે. હું નથી ઈચ્છતો કે આ વિવાદ ઉકેલાય નહીં ત્યાં સુધી તેઓ આટલી મોટી કમાણી કરે. જ્યારે સમજૂતી થશે ત્યારે જ આ માર્ગ ખુલશે."
સુલેમાની અને પરમાણુ સમજૂતી
ટ્રમ્પે પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીનો ઉલ્લેખ કરતા કહ્યું કે જો તેમને ન માર્યા હોત તો અમેરિકા આટલી પ્રગતિ ન કરી શક્યું હોત. ઓબામા શાસનકાળના પરમાણુ કરારની ટીકા કરતા તેમણે કહ્યું કે તે કરાર ઈરાનને પરમાણુ બોમ્બ બનાવવાનો રસ્તો આપતો હતો, જે મેં ખતમ કરી દીધો. ઈરાન પાસે ક્યારેય પરમાણુ બોમ્બ નહીં હોય.
આર્થિક નાકાબંધી અને વર્તમાન સ્થિતિ
ટ્રમ્પના મતે અમેરિકાની આર્થિક નાકાબંધી 100% અસરકારક રહી છે. ઈરાનની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે અને તેઓ સમજૂતી કરવા માટે તલપાપડ છે. પરંતુ ઈરાન માટે મોટી સમસ્યા એ છે કે તેમને ખબર જ નથી કે તેમનું નેતૃત્વ કોણ કરી રહ્યું છે.બીજી તરફ, અમેરિકી સેનાએ હોર્મુઝમાં પોતાની કાર્યવાહી તેજ કરી છે અને હિંદ મહાસાગરમાં વધુ એક ઈરાની ટેન્કર જપ્ત કર્યાનો દાવો કર્યો છે. આ તણાવને કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર પણ મોટી અસર પડી રહી છે.
આ પણ વાંચો: Hormuz Tension:હોર્મુઝમાં જેવી દેખાય તેવી ઈરાની નૌકાઓને ઉડાવી દો,અમેરિકી નેવીને શૂટ-આઉટની ખુલ્લી છૂટ!