પશ્ચિમ એશિયામાં યુદ્ધનો ભય ફરી ઘેરો બન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાં તૈનાત પોતાની નૌસેનાને સીધો અને કડક આદેશ આપ્યો છે કે, જો કોઈ પણ ઈરાની નૌકા દરિયામાં બારૂદી સુરંગો (Sea Mines) બિછાવતી જોવા મળે, તો તેને તાત્કાલિક ગોળીબાર કરીને નષ્ટ કરી દેવી. ટ્રમ્પના આ આક્રમક વલણથી શાંતિના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે.
નૌકાઓને ખતમ કરવાનો ટ્રમ્પનો આદેશ
રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, "મેં અમેરિકી નૌસેનાને આદેશ આપ્યો છે કે હોર્મુઝના પાણીમાં સુરંગો બિછાવતી કોઈપણ નાની નૌકાને પણ ધ્વસ્ત કરવામાં આવે. આ કામમાં કોઈ પણ પ્રકારની ખચકાટ રાખવી નહીં." ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે હોર્મુઝ સ્ટ્રેટને સાફ કરવાની કામગીરી હવે ત્રણ ગણી ઝડપે ચલાવવામાં આવશે.
જહાજો પરના કબજા બાદ તણાવ વધ્યો
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે ત્રણ માલવાહક જહાજો પર હુમલો કરી તેમાંથી બેને પોતાના કબજામાં લીધા હતા. આ ઘટનાના જવાબમાં પેન્ટાગોને હિંદ મહાસાગરમાં ઈરાને કબજે કરેલા તેલ ટેન્કર 'મેજેસ્ટિક એક્સ'ના વિડિયો ફૂટેજ પણ જારી કર્યા છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ દરિયાઈ સુરક્ષા માટે ગ્લોબલ એન્ફોર્સમેન્ટ ચાલુ રાખશે.
પાકિસ્તાનની મધ્યસ્થી અને અનિશ્ચિતતા
એક તરફ ટ્રમ્પ આક્રમક છે, તો બીજી તરફ પાકિસ્તાન આ બંને દેશોને ટેબલ પર લાવવા માટે કૂટનીતિક પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી અને અમેરિકી રાજદૂતો વચ્ચે શાંતિ વાટાઘાટોના બીજા રાઉન્ડ માટે બેઠકો યોજાઈ રહી છે. જોકે, ટ્રમ્પના દાવા મુજબ ઈરાની નેતૃત્વમાં નરમપંથીઓ અને કટ્ટરપંથીઓ વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણને કારણે શાંતિ વાર્તા કઈ દિશામાં જશે તે કહેવું મુશ્કેલ છે.
આ પણ વાંચો: Hormuz Strait:હોર્મુઝમાં અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધના એંધાણ,ટ્રમ્પ ગમે ત્યારે યુદ્ધ શરુ કરી શકે છે.