પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા અને પોતાની સાખ બચાવવા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગમે ત્યારે યુદ્ધવિરામ તોડી શકે તેવા સંકેતો મળી રહ્યા છે. પેન્ટાગોને હોર્મુઝમાંથી ઈરાની 'સી માઈન્સ' (દરિયાઈ સુરંગો) હટાવવા માટેનો બ્લૂપ્રિન્ટ તૈયાર કરી લીધો છે, જેમાં નાટો દેશો પણ સાથ આપી શકે છે.
USનું અત્યંત જોખમી ઓપરેશન
અમેરિકાનું આ ઓપરેશન અત્યંત જોખમી છે. પ્રથમ તબક્કામાં માઈન સ્વીપર જહાજો માટે સેફ પેસેજ બનાવવામાં આવશે. બીજા તબક્કામાં યુદ્ધ જહાજો દ્વારા આખા વિસ્તારને ઘેરીને સોનાર ટેકનોલોજીથી માઈન્સ શોધવામાં આવશે. અંતિમ તબક્કામાં સી-ડ્રોન અને ટોર્પિડોની મદદથી આ સુરંગોને નષ્ટ કરવામાં આવશે.
ઈરાનની ઘાતક વ્યૂહરચના
સામે પક્ષે ઈરાને પણ હોર્મુઝને દરિયાઈ સુરંગોથી પાટી દીધું છે. ખાસ વાત એ છે કે ઈરાને GPS આધારિત એવી માઈન્સ ગોઠવી છે જે પોતાની જગ્યા બદલી શકે છે. જો કોઈ જહાજ પરવાનગી વગર ઘૂસવાનો પ્રયાસ કરે, તો આ માઈન્સ આપોઆપ તેની પાછળ પડીને તેને ધ્વસ્ત કરી દેવાની ક્ષમતા ધરાવે છે.
રહસ્યમય વિસ્ફોટો અને સાયબર વોર
ઈરાનના સાત મુખ્ય શહેરોમાં થયેલા રહસ્યમય વિસ્ફોટો બાદ તણાવ ચરમસીમા પર છે. ઈરાનનો દાવો છે કે આ હુમલા અમેરિકાએ કર્યા છે. આ દરમિયાન અમેરિકાના અત્યાધુનિક યુદ્ધ જહાજ 'USS ઝુમવોલ્ટ' અને 'USS ફોર્ડ'માં લાગેલી આગ પાછળ ઈરાની સાયબર હુમલા કે મેલવેર હોવાની આશંકા સેવાઈ રહી છે. જો આ સાયબર વોર વધશે, તો હોર્મુઝની લડાઈ આખા વિશ્વ માટે આર્થિક સંકટ બની શકે છે.
આ પણ વાંચો: Ajit Dovalએ બ્રિટેનના NSA સાથે કરી મુલાકાત, ડિફેન્સ પાર્ટનરશીપ વધારવા પર ભાર