સરકારી સંરક્ષણ ક્ષેત્રની અગ્રણી કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (Q1)ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 8.8 ટકા વધીને ₹1,054 કરોડ થયો છે. ગયા વર્ષે સમાન ત્રિમાસિક દરમિયાન કંપનીએ ₹968 કરોડનો નફો નોંધાવ્યો હતો.

કંપનીની ઓર્ડર બુક ₹72,258 કરોડ સુધી પહોંચી ગઈ

કંપનીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જૂન ત્રિમાસિક દરમિયાન BELનું રેવન્યુ 25.3 ટકા વધીને ₹5,533 કરોડ થયું છે, જે ગયા વર્ષે ₹4,415 કરોડ હતું. કંપનીનું EBITDA 12.1 ટકા વધીને ₹1,389.2 કરોડ થયું છે. જોકે, EBITDA માર્જિનમાં થોડો ઘટાડો નોંધાયો છે અને તે 28.1 ટકાથી ઘટીને 25.1 ટકા રહ્યો છે. BELએ જણાવ્યું કે 1 જુલાઈ, 2026 સુધી કંપનીની ઓર્ડર બુક ₹72,258 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે કંપનીના મજબૂત ભવિષ્યના ઓર્ડર દર્શાવે છે. ઉપરાંત પ્રોફિટ બિફોર ટેક્સ (PBT) 8.8 ટકા વધીને ₹1,403 કરોડ રહ્યો છે. કુલ આવક ₹5,700 કરોડ નોંધાઈ છે, જ્યારે ગયા વર્ષે તે ₹4,580 કરોડ હતી.

ઈક્વિટી શેરોની સંખ્યા 750 કરોડથી વધારીને 1,000 કરોડ કરવામાં આવશે

કંપનીના બોર્ડે ઓથોરાઈઝ્ડ શેર કેપિટલ ₹750 કરોડથી વધારીને ₹1,000 કરોડ કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ માટે ₹1 ફેસ વેલ્યૂ ધરાવતા ઈક્વિટી શેરોની સંખ્યા 750 કરોડથી વધારીને 1,000 કરોડ કરવામાં આવશે. જોકે, આ નિર્ણયને શેરધારકોની અંતિમ મંજૂરી મળ્યા બાદ અમલમાં મૂકવામાં આવશે. ઈઝરાયલમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે BELએ જણાવ્યું કે હાલ તેની વર્તમાન કરારો અથવા નાણાકીય સ્થિતિ પર કોઈ નોંધપાત્ર અસર થઈ નથી.

ડિફેન્સ ક્ષેત્રની અગ્રણી છે કંપની

પરિણામો જાહેર થાય તે પહેલાં BELનો શેર 0.4 ટકાના વધારા સાથે ₹406.70 પર બંધ થયો હતો. વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં શેરમાં 2 ટકાથી વધુનો વધારો થયો છે. BEL ભારતીય સેના, નૌસેના અને વાયુસેના માટે રડાર, મિસાઈલ સિસ્ટમ, કમ્યુનિકેશન સાધનો, ઈલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ અને અન્ય અદ્યતન સંરક્ષણ ઉપકરણોનું ઉત્પાદન કરતી દેશની અગ્રણી સરકારી ડિફેન્સ કંપની છે.

આ પણ વાંચો : HUDCOના Q1 પરિણામો રહ્યા શાનદાર, નેટ પ્રોફિટમાં 35%નો આવ્યો ઉછાળો

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.