સરકારી ફાઈનાન્સ કંપની હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (HUDCO)એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (Q1)ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ મજબૂત નાણાકીય પ્રદર્શન નોંધાવતા કન્સોલિડેટેડ નેટ પ્રોફિટમાં 35.1 ટકાનો વધારો કર્યો છે. જૂન 2026ના સમાપ્ત થયેલા ત્રિમાસિકમાં કંપનીનો નેટ નફો ₹851 કરોડ રહ્યો, જે ગયા વર્ષના સમાન ગાળામાં ₹630 કરોડ હતો.
વ્યાજની આવકમાં થયો વધારો
કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ (NII)માં પણ નોંધપાત્ર વધારો થયો છે. વ્યાજમાંથી થતી ચોખ્ખી આવક 21.1 ટકા વધીને ₹1,149 કરોડ પહોંચી છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો ₹948 કરોડ હતો. આ પરિણામો કંપનીના મજબૂત ધિરાણ વ્યવસાય અને આવકમાં વૃદ્ધિ દર્શાવે છે. ત્રિમાસિક પરિણામો સાથે HUDCOના બોર્ડે નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રતિ ઈઇક્વિટી શેર ₹1.25ના પ્રથમ અંતરિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. ₹10ની ફેસ વેલ્યૂ ધરાવતા શેર પર આ 12.5 ટકા ડિવિડન્ડ સમાન છે. કંપનીએ જણાવ્યું છે કે લાગુ નિયમો મુજબ ડિવિડન્ડ પર TDS કપાશે.
ડિવિડન્ડ માટે કઈ છે રેકોર્ડ ડેટ?
કંપનીએ ડિવિડન્ડ માટે 31 જુલાઈ, 2026ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. આ તારીખ સુધી જેમના નામ કંપનીના રેકોર્ડમાં હશે તેવા રોકાણકારોને અંતરિમ ડિવિડેન્ડનો લાભ મળશે. ડિવિડેન્ડની ચૂકવણી જાહેરાતની તારીખથી 30 દિવસની અંદર કરવામાં આવશે.
જો કે શેરમાં આ વર્ષે ઘટાડો નોંધાયો
પરિણામો બાદ HUDCOના શેરમાં ખરીદી જોવા મળી હતી અને શેર 3 ટકાના ઉછાળા સાથે ₹201.41 પર બંધ થયો હતો. જોકે, વર્ષ 2026 દરમિયાન અત્યાર સુધીમાં શેરમાં 11.50 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન આશરે ₹40.49 હજાર કરોડ છે. HUDCO હાઉસિંગ, સ્માર્ટ સિટી, મેટ્રો, રસ્તા, પાણી પુરવઠા અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે લોન અને ફંડિંગ પૂરી પાડતી અગ્રણી સરકારી નાણાકીય સંસ્થા છે.
આ પણ વાંચો : NTPC Q1 Results : સરકારી કંપનીનો નફો 5000 કરોડને પાર, શેરના ભાવમાં જોવા મળી શકે ઉછાળો
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.