સરકારી પાવર કંપની NTPC લિમિટેડે નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (Q1)ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ અપેક્ષા કરતાં વધુ સારા પરિણામો રજૂ કરતાં સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટમાં આશરે 12 ટકાનો વધારો નોંધાવ્યો છે. કંપનીનો નફો વધીને ₹5,342.4 કરોડ થયો છે, જ્યારે ગયા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીએ ₹4,774 કરોડનો નફો નોંધાવ્યો હતો.

કંપનીની આવકમાં પણ વધારો

કંપનીની આવકમાં પણ વધારો થયો છે. ગયા વર્ષની સમાન ત્રિમાસિકમાં ₹42,572 કરોડ રહેલી આવક આ વર્ષે વધીને ₹43,832 કરોડ થઈ છે. મજબૂત નાણાકીય પરિણામોને કારણે સોમવારે શેરબજારમાં NTPCના શેર પર રોકાણકારોની ખાસ નજર રહેશે. શુક્રવારે બજાર બંધ થતાં પહેલાં NTPCનો શેર 0.26 ટકાના સામાન્ય ઘટાડા સાથે ₹347.70 પર બંધ થયો હતો. જોકે, કંપનીના સારા પરિણામોની અસર આગામી કારોબારમાં શેરના ભાવ પર જોવા મળી શકે છે.

5 વર્ષમાં 195 ટકા રિટર્ન આપ્યું

લાંબા ગાળાના રોકાણકારો માટે NTPCનો શેર સારો સાબિત થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીના શેરે રોકાણકારોને લગભગ 195 ટકાનું વળતર આપ્યું છે. પાંચ વર્ષ પહેલાં NTPCનો શેર આશરે ₹118.20 હતો, જે હવે વધીને ₹347.70 સુધી પહોંચી ગયો છે. હાલમાં NTPCનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ ₹3.36 લાખ કરોડ છે. કંપનીના શેરે 2024 દરમિયાન ₹414.40ની 52 સપ્તાહની સર્વોચ્ચ સપાટી સ્પર્શી હતી, જ્યારે 52 સપ્તાહનું નીચું સ્તર ₹315.55 રહ્યું છે.

પાવર સેક્ટરની અગ્રણી સરકારી કંપની તરીકે NTPCના મજબૂત ત્રિમાસિક પરિણામોએ રોકાણકારોમાં ફરી વિશ્વાસ વધાર્યો છે. હવે બજારની નજર એ વાત પર રહેશે કે સોમવારના કારોબારમાં આ સારા પરિણામોની શેરના ભાવ પર કેવી અસર જોવા મળે છે.

આ પણ વાંચો : Stock Market : આ અઠવાડિયે ટોપ-10માંથી માત્ર એક જ કંપની નફામાં, 9 કંપનીઓની માર્કેટકેપમાં થયો ઘટાડો

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.