ગત સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સની ટોપ-10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 9 કંપનીઓના કુલ માર્કેટ કેપમાં ₹2.74 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. આ સમયગાળામાં સૌથી વધુ નુકસાન HDFC બેન્કને થયું, જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર એકમાત્ર એવી કંપની રહી જેના માર્કેટ કેપમાં વધારો થયો.

સેન્સેક્સ 2,091.68 પોઈન્ટ તૂટ્યો 

ગત સપ્તાહે સેન્સેક્સ 2,091.68 પોઈન્ટ એટલે કે 2.67 ટકા તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 566.85 પોઈન્ટ અથવા 2.32 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. બજારમાં આવેલા ઘટાડાની સીધી અસર દેશની અગ્રણી કંપનીઓના માર્કેટકેપ પર જોવા મળી હતી. HDFC બેન્કના માર્કેટ કેપમાં ₹1,18,383.91 કરોડનો ઘટાડો થતાં તે ₹11.43 લાખ કરોડ પર આવી ગયું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ₹65,429.82 કરોડ ઘટીને ₹17.29 લાખ કરોડ રહ્યું. ઉપરાંત સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI), ICICI બેન્ક, ભારતી એરટેલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), બજાજ ફાઈનાન્સ, ભારતીય જીવન વીમા નિગમ (LIC) અને લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના માર્કેટ કેપમાં પણ ઘટાડો નોંધાયો હતો.

હિન્દુસ્તાન યુનિલિવરના માર્કેટ કેપમાં ₹152.73 કરોડનો વધારો 

બીજી તરફ હિન્દુસ્તાન યુનિલિવરના માર્કેટ કેપમાં ₹152.73 કરોડનો વધારો થયો અને તે ₹5.03 લાખ કરોડ સુધી પહોંચ્યું. માર્કેટ કેપના આધારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની તરીકે યથાવત રહી, ત્યારબાદ ભારતી એરટેલ, HDFC બેન્ક, ICICI બેન્ક અને SBIનો ક્રમ રહ્યો. જો કે આવતા સપ્તાહે રોકાણકારોની નજર નવા IPO અને લિસ્ટિંગ પર રહેશે. 27 જુલાઈએ BSE SME પર Gulf Lloyds, 28 જુલાઈએ NSE SME પર Metalic Technoforge અને 29 જુલાઈએ BSE SME પર Shree Balaji Malaના શેર લિસ્ટ થવાની સંભાવના છે. જ્યારે 30 જુલાઈએ મેઈનબોર્ડ સેગમેન્ટમાં Lohia Corp, Indo-MIM અને Xtranet Technologiesના શેર NSE અને BSE પર લિસ્ટ થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો : IDFC ફર્સ્ટ બેન્કનું જોરદાર પ્રદર્શન, જૂન ત્રિમાસિકમાં નફો બમણો થઈ રૂપિયા 1,075 કરોડ પર પહોંચ્યો

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.