વૈશ્વિક ઊર્જા સંકટ અને મોંઘા તેલના દબાણ વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબૂતીથી આગળ વધી રહી છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી Moody’sએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP વૃદ્ધિદરનો અંદાજ 6.5%થી વધારીને 7% કર્યો છે. એજન્સીના મતે, મજબૂત સ્થાનિક માંગ, રોકાણમાં સુધારો અને ઊર્જાના ભાવમાં આવેલા આંચકાનો સામનો કરવાની ભારતની ક્ષમતાને કારણે અર્થતંત્રનો વિકાસ વેગ પકડી શકે છે. 

6.5%થી વધારીને 7% કર્યો અંદાજ

Moody’sએ પોતાના તાજેતરના ‘ગ્લોબલ મેક્રો આઉટલુક 2027-28’માં ભારતના વિકાસદરનો અંદાજ વધાર્યો છે. અગાઉ એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP વૃદ્ધિદર 6.5% રહેવાની ધારણા વ્યક્ત કરી હતી. હવે તેને વધારીને 7% કરવામાં આવ્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર, ભારતની અર્થવ્યવસ્થામાં વિકાસનાં અનેક ક્ષેત્રોમાંથી ટેકો મળી રહ્યો છે. ઘરેલુ વપરાશ મજબૂત છે, રોકાણની સ્થિતિ સુધરી રહી છે અને ઉદ્યોગોનો દેખાવ પણ સારો છે. આ પરિબળો આગામી સમયમાં પણ વિકાસદરને 7%ની આસપાસ જાળવી રાખવામાં મદદ કરી શકે છે. 

ઊર્જા સંકટ છતાં ભારતે કેવી રીતે ટક્કર આપી?

ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના પુરવઠા તથા ભાવ પર દબાણ ઊભું થયું છે. ભારત પોતાની ઊર્જાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાતથી પૂરો કરે છે. તેથી મોંઘા ક્રૂડ ઓઇલની અસર દેશના અર્થતંત્ર, ઉદ્યોગો અને સામાન્ય ગ્રાહકો પર પડી શકે છે. પરંતુ Moody’sના મતે, ભારતે આ સ્થિતિનો અંદાજ કરતાં વધુ સારી રીતે સામનો કર્યો છે. ક્રૂડ ઓઇલ અને ગેસની ખરીદી માટે અલગ-અલગ દેશો પર આધાર રાખવો, સરકારી તેલ કંપનીઓની ભૂમિકા અને કરવેરામાં રાહત જેવા પગલાંથી ઊર્જાના ભાવમાં વધારાની તાત્કાલિક અસર ઓછી કરવામાં મદદ મળી છે. 

ખાનગી રોકાણ વધવાની આશા

ભારતના વિકાસને વેગ આપતું બીજું મહત્ત્વનું પરિબળ રોકાણ છે. Moody’sના જણાવ્યા અનુસાર, ઔદ્યોગિક મશીનરી અને મૂડીગત ચીજવસ્તુઓનું ઉત્પાદન તથા આયાત વધી રહી છે. ઉદ્યોગોને મળતી બેંક લોનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ સંકેતો દર્શાવે છે કે ખાનગી કંપનીઓ નવા કારખાનાં, મશીનરી અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે વધુ રોકાણ કરી શકે છે. જો ખાનગી મૂડીરોકાણમાં સતત વધારો થાય તો ઉત્પાદન અને રોજગારીની તકોને પણ ટેકો મળી શકે છે. 

મોંઘવારી અને ચોમાસું બની શકે છે પડકાર

વિકાસદરનો અંદાજ વધાર્યો હોવા છતાં Moody’sએ કેટલાક જોખમો અંગે ચેતવણી આપી છે. મોંઘવારી વધવાથી સામાન્ય પરિવારોની ખરીદશક્તિ ઘટી શકે છે. તેની સીધી અસર વપરાશ અને બજારની માંગ પર પડી શકે છે. આ ઉપરાંત, નબળું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અને અલ નીનોની સ્થિતિ કૃષિ ઉત્પાદન તથા ગ્રામ્ય માંગને અસર કરી શકે છે. બીજી તરફ, ભારતીય રિઝર્વ બેંક વ્યાજદરમાં વધુ વધારો કરે તો કંપનીઓ માટે લોન મોંઘી બની શકે છે. પરિણામે ખાનગી રોકાણની ગતિ ધીમી પડવાની શક્યતા છે. 

આ પણ વાંચે: HDFC બેંકે વધાર્યા લોનના વ્યાજદર, હવે હોમ લોનની EMI વધશે? જાણો કોના ખિસ્સા પર પડશે ભાર