ગુજરાત સરકારે 15 જુલાઈ 2005ના રોજ નવીનાલ ગામમાં આવેલી 9,34,829 હેક્ટર ગૌચર જમીન અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડ (APSEZ)ને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) વિકાસ માટે સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ અવેજની ચુકવણી થયા બાદ ફાળવી હતી. આ જમીનને પછીથી ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા SEZ જમીન તરીકે સૂચિત કરવામાં આવી હતી.
2005ના નોટિફિકેશનને પડકાર્યું
વર્ષ 2011માં PIL નં. 17/2011 હેઠળ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારના 27 જૂન 2005ના નોટિફિકેશનને પડકારવામાં આવ્યો હતો, આ અરજીમાં 15 જુલાઈ 2005ના ફાળવણી આદેશને પણ પડકારવામાં આવ્યો હતો અને કંપનીને ફાળવેલી ગૌચર જમીન પરત લેવાની માગ કરવામાં આવી હતી.
10,82,235 હેક્ટર જમીન પરત લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો
5 જુલાઈ 2024ના રોજ આ PILની સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારે APSEZને આશ્ચર્યમાં મૂકી દેતી રીતે એક એફિડેવિટ દાખલ કર્યું હતું, જેમાં 4 જુલાઈ 2024નો આદેશ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ બે દાયકા પહેલાં એટલે કે 2005માં ફાળવેલી 10,82,235 હેક્ટર જમીન પરત લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ જમીન પરત લેવાનો આદેશ કંપનીને કોઈ નોટિસ આપ્યા વિના, સુનાવણી આપ્યા વિના અને કારણ બતાવવાની તક આપ્યા વિના પસાર કરવામાં આવ્યો હતો.
હાઈકોર્ટના આદેશની અમલવારી પર સ્ટે
રાજ્ય સરકારના આ એફિડેવિટ પર આધાર રાખીને ગુજરાત હાઈકોર્ટે 5 જુલાઈ 2024ના આદેશ દ્વારા રાજ્ય સરકારને આ પરત લેવાના આદેશ મુજબ જમીન પરત લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો. આ આદેશથી અસંતુષ્ટ થઈને અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડે ભારતની સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ 2024ના આદેશ દ્વારા હાઈકોર્ટના આદેશની અમલવારી પર સ્ટે મૂક્યો હતો.
27 જાન્યુઆરી 2026ના રોજ સુનાવણી કરાઈ
પ્લીડિંગ્સ પૂર્ણ થયા બાદ આ મામલાની વિગતવાર સુનાવણી 27 જાન્યુઆરી 2026ના રોજ કરવામાં આવી. તમામ પક્ષોની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાએ 27 જાન્યુઆરી 2026ના આદેશ દ્વારા ગુજરાત હાઈ કોર્ટના 5 જુલાઈ 2024ના ચુકાદા અને આદેશને રદ કરી દીધો છે અને ગુજરાત સરકારના 4 જુલાઈ 2024ના જમીન પરત લેવાના આદેશને પણ રદ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સદર ગૌચર જમીન અંગેના તમામ હક્કો આજે પણ અદાણી કંપની પાસે અબાધિત છે. જે અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડને નોંધપાત્ર રાહત આપે છે.
આ પણ વાંચો : Hindustan Copper Share Price : શેરબજારમાં કંપનીએ મચાવી ધૂમ, એક ઝાટકે 20 ટકા વધ્યો ભાવ