એર કન્ડિશનિંગ અને કોમર્શિયલ રેફ્રિજરેશન ક્ષેત્રની કંપની બ્લુ સ્ટાર લિમિટેડે માર્ચ ત્રિમાસિક (Q4)ના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વર્ષ-દર-વર્ષ 17% વધીને ₹227 કરોડ રહ્યો છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં તે ₹194 કરોડ હતો. બજારના અંદાજ કરતાં આ પરિણામ વધુ સારા રહ્યા છે.

કંપનીનો રેવન્યૂ 1.3% વધીને ₹4,072 કરોડ થયો

નિષ્ણાંતો દ્વારા અંદાજિત ₹173 કરોડની સામે કંપનીએ ₹227 કરોડનો નફો નોંધાવ્યો છે. ઓપરેટિંગ પ્રોફિટ (PBIDTA) પણ 16.8% વધીને ₹326.25 કરોડ થયો છે, જે રેવન્યૂના 8% જેટલો છે. ગયા વર્ષે આ અનુપાત 7% હતો. આ ત્રિમાસિકમાં કંપનીનો રેવન્યૂ 1.3% વધીને ₹4,072 કરોડ થયો છે, જ્યારે EBITDA 16.6% વધીને ₹325.2 કરોડ રહ્યો છે. EBITDA માર્જિન પણ સુધરીને 8% સુધી પહોંચ્યો છે.

શેરહોલ્ડર્સને પણ થશે ફાયદો

ખર્ચની વાત કરીએ તો ફાઈનાન્સ કોસ્ટ અને ટેક્સ બંનેમાં વધારો નોંધાયો છે. આખા નાણાકીય વર્ષ FY26 દરમિયાન કંપનીનો રેવન્યૂ ₹12,401.99 કરોડ રહ્યો, જે FY25 કરતાં 3.6% વધુ છે. જોકે નેટ પ્રોફિટ ઘટીને ₹527.33 કરોડ થયો છે. કંપનીએ જણાવ્યું કે અનિયમિત વરસાદ અને નબળી ગરમીની અસરથી રૂમ એસી સેગમેન્ટ પર દબાણ રહ્યું, પરંતુ વર્ષના અંતિમ તબક્કામાં માંગ સુધરતા મજબૂત પ્રદર્શન જોવા મળ્યું. કંપનીએ શેરહોલ્ડર્સ માટે 8.5 રૂપિયાના ડિવિડન્ડની પણ ભલામણ કરી છે.

આ પણ વાંચો : Raymond Realtyમાં Q4માં પ્રી-સેલ્સ થયું ડબલ, શેરમાં આવ્યો 18 ટકાનો તગડો ઉછાળો

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.