ટાટા ગ્રુપમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે બોમ્બે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.હાઈકોર્ટે ટાટા ટ્રસ્ટ્સ દ્વારા દાખલ કરવામાં આવેલી બે અરજીઓ પર સુનાવણી દરમિયાન 30 નવેમ્બરે યોજાનારી બેઠક પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે.આ અરજીઓમાં ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિ અને ચેરમેન દ્વારા કાસ્ટિંગ વોટના ઉપયોગને પડકારવામાં આવ્યો છે.
જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો હતો
સુનાવણી દરમિયાન કોર્ટે નોએલ ટાટા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ જનક દ્વારકાદાસને જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો હતો. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે હાલ કોઈ રાહત આપવામાં આવી રહી નથી અને 30 નવેમ્બરે યોજાનારી બેઠક પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવતો નથી.હાઈકોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે આ બેઠકમાં લેવામાં આવનારા નિર્ણયો કોર્ટમાં પેન્ડિંગ અરજી પર આવનારા અંતિમ ચુકાદાને આધીન રહેશે. એટલે કે 30 નવેમ્બરની બેઠક યોજાઈ શકશે, પરંતુ તેના નિર્ણયોની અસર હાઈકોર્ટના અંતિમ ચુકાદા પર નિર્ભર રહેશે. આ કેસની આગામી સુનાવણી હવે 21 જાન્યુઆરી, 2027ના રોજ થશે.
શું છે સમગ્ર વિવાદ?
વાસ્તવમાં, ટાટા સન્સના બોર્ડે 17 સપ્ટેમ્બરે એન. ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તેમનો નવો કાર્યકાળ ફેબ્રુઆરી 2027થી શરૂ થવાનો છે. આ તેમનો ત્રીજો પાંચ વર્ષનો કાર્યકાળ હશે.આ નિર્ણયને ટાટા ટ્રસ્ટ્સ સાથે જોડાયેલા બે ટ્રસ્ટ સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને આરડી ટાટા ટ્રસ્ટ દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. બંને ટ્રસ્ટનો દાવો છે કે ચંદ્રશેખરની પુનઃનિયુક્તિના પ્રસ્તાવને કંપનીના નિયમો અનુસાર જરૂરી મંજૂરી મળી નહોતી.
નોએલ ટાટા અને વેણુ શ્રીનિવાસનના અલગ-અલગ વલણથી વિવાદ
આ વિવાદનું મુખ્ય કારણ ટાટા ટ્રસ્ટ્સ દ્વારા નિયુક્ત બે ડિરેક્ટર નોએલ ટાટા અને વેણુ શ્રીનિવાસનના અલગઅલગ અભિપ્રાય છે.નોએલ ટાટાએ એન. ચંદ્રશેખરનની પુનઃનિયુક્તિનો વિરોધ કર્યો હતો, જ્યારે વેણુ શ્રીનિવાસને તેનું સમર્થન કર્યું હતું.ત્યારબાદ બેઠકની અધ્યક્ષતા કરી રહેલા હરીશ મનવાની એ કાસ્ટિંગ વોટનો ઉપયોગ કરીને ચંદ્રશેખરની પુનઃનિયુક્તિના પક્ષમાં નિર્ણય કરાવ્યો હતો.ટાટા ટ્રસ્ટ્સની દલીલ છે કે કંપનીના આર્ટિકલ 121 મુજબ આવા મહત્વપૂર્ણ નિર્ણયો માટે ટ્રસ્ટ દ્વારા નિયુક્ત ડિરેક્ટરોના બહુમતી સમર્થનની જરૂરિયાત છે. ટ્રસ્ટના મતે, ચેરમેનનો કાસ્ટિંગ વોટ આ શરતનું સ્થાન લઈ શકે નહીં. આ જ કારણસર બંને ટ્રસ્ટે ચંદ્રશેખરની પુનઃનિયુક્તિના નિર્ણયને ગેરકાયદેસર જાહેર કરવાની માગ કરી છે.
65 કરોડ રૂપિયાના વળતરની પણ માગણી
ટાટા ટ્રસ્ટ્સ સાથે જોડાયેલા બંને ટ્રસ્ટે પોતાની અરજીઓમાં કુલ 65 કરોડ રૂપિયાના વળતરની માગણી કરી છે.સર દોરાબજી ટાટા ટ્રસ્ટે 50 કરોડ રૂપિયાના વળતરની માગ કરી છે.આરડી ટાટા ટ્રસ્ટે 15 કરોડ રૂપિયાના વળતરની માગ કરી છે.બંને ટ્રસ્ટે વળતરની રકમ પર વાર્ષિક 18 ટકા વ્યાજની પણ માગણી કરી છે.આ ઉપરાંત, ટ્રસ્ટોએ કોર્ટને 30 નવેમ્બરની બેઠક મુલતવી રાખવા અથવા ડિરેક્ટરો વચ્ચે મતભેદ થાય ત્યારે ચેરમેનને કાસ્ટિંગ વોટનો ઉપયોગ કરતા રોકવા માટે વ્યવસ્થા કરવાનો અનુરોધ કર્યો હતો.જોકે, બોમ્બે હાઈકોર્ટે હાલ આ પ્રકારની કોઈ રાહત આપી નથી.પરિણામે 30 નવેમ્બરની બેઠક યોજવાનો માર્ગ ખુલ્લો રહ્યો છે,પરંતુ બેઠકમાં લેવાયેલા નિર્ણયો હાઈકોર્ટના અંતિમ ચુકાદાને આધીન રહેશે.
આ પણ વાંચોઃ Swiggy ઈન્સ્ટામાર્ટે હાંકી કાઢ્યા 340 કર્મચારીઓ! જાણો શું હોય શકે છે કારણ