નાણાકીય વર્ષ 2027-28ના સામાન્ય બજેટની તૈયારીઓનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે, અને આ વખતે કેન્દ્ર સરકારે એક અત્યંત નવીન અને ઐતિહાસિક પહેલ કરી છે. દર વર્ષે બજેટ પહેલાં ઉદ્યોગપતિઓ અને અર્થશાસ્ત્રીઓના મંતવ્યો લેવાની પરંપરા રહી છે, પરંતુ આ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશની યુવા પેઢી એટલે કે 'જનરલ ઝેડ' (Gen Z) સાથે પણ સીધો સંવાદ સાધશે. આગામી બજેટની રૂપરેખા નક્કી કરવામાં યુવાનોની આકાંક્ષાઓ અને સૂચનોને સ્થાન આપવા માટે ખાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં યુવા પ્રતિનિધિઓ ટોચના સરકારી અધિકારીઓ અને નિષ્ણાતો સમક્ષ પોતાના વિચારો રજૂ કરી શકશે.
સોમવારથી શરૂ થશે પ્રી બજેટ બેઠક
સોમવારથી શરૂ થયેલી આ પ્રી-બજેટ બેઠકોના પ્રથમ તબક્કામાં મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન, આર્થિક બાબતોના સચિવ અનુરાધા ઠાકુર અને દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સૌથી વધુ ભાર દેશના વધતા જતા સરકારી દેવા અને રાજકોષીય ખાધને નિયંત્રિત કરવા પર મૂકવામાં આવ્યો હતો. નિષ્ણાતોએ સરકારને સ્પષ્ટ સલાહ આપી હતી કે ભવિષ્યમાં ખર્ચ વધવાની સંભાવના હોવા છતાં, સરકારે દેવું ઘટાડવાના પોતાના સંકલ્પ પરથી પાછળ હટવું જોઈએ નહીં. ઉલ્લેખનીય છે કે સરકારે 2030-31 સુધીમાં દેશનું દેવું જીડીપી (GDP) ના 50 ટકા (વત્તા-ઓછા 1 ટકા) સુધી મર્યાદિત રાખવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
