ભારતમાં ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ સતત નવા શિખરો સર કરી રહી છે, જેના પરિણામે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ઓક્ટોબર મહિનામાં એક નવો ઇતિહાસ રચ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા સત્તાવાર આંકડા મુજબ, દેશના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ મહિનામાં UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) વ્યવહારોનું કુલ મૂલ્ય ₹30 લાખ કરોડની સપાટી વટાવીને ₹31.53 લાખ કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. નાની દુકાનોથી લઈને મોટા શોરૂમ સુધી QR કોડ સ્કેનિંગ અને ઓનલાઈન પેમેન્ટના વધતા ચલણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ઓક્ટોબરનું ટર્નઓવર સપ્ટેમ્બર મહિનાના કરોડો વધારે

આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો, ઓક્ટોબરમાં નોંધાયેલું ₹31.53 લાખ કરોડનું ટર્નઓવર સપ્ટેમ્બર મહિનાના ₹29.37 લાખ કરોડ કરતાં ઘણું વધારે છે. તદુપરાંત, ગયા વર્ષના ઓક્ટોબર મહિનામાં થયેલા ₹27.27 લાખ કરોડના વ્યવહારોની સરખામણીમાં આ વર્ષે આશરે 16 ટકાનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. સમગ્ર મહિના દરમિયાન કુલ 25.47 અબજ વ્યવહારો સંપન્ન થયા હતા, જે વાર્ષિક ધોરણે 23 ટકાની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે.

 દૈનિક વ્યવહાર 1 કરોડને પાર

આ સફળતાનું સૌથી મોટું પાસું એ છે કે ઓક્ટોબરમાં પ્રથમવાર UPI નું સરેરાશ દૈનિક વ્યવહાર મૂલ્ય ₹1 લાખ કરોડનો આંકડો પાર કરીને ₹1,01,707 કરોડ સુધી પહોંચ્યું છે. દેશભરમાં દરરોજ સરેરાશ 822 મિલિયન (82.20 કરોડ) વ્યવહારો થયા હતા, જે દર્શાવે છે કે સામાન્ય નાગરિકોના રોજિંદા જીવનમાં ડિજિટલ પેમેન્ટ કેટલું ઊંડાણપૂર્વક વણાઈ ગયું છે.

જૂના તમામ રેકોર્ડ તૂટવાની શક્યતા

નિષ્ણાતોના મતે, નવેમ્બર મહિનામાં પણ આ તેજી અવિરત ચાલુ રહેશે અને જૂના તમામ રેકોર્ડ તૂટવાની પૂરી શક્યતા છે. 7 નવેમ્બરે નાની દિવાળી અને 8 નવેમ્બરે દિવાળીના તહેવારને કારણે બજારોમાં ખરીદીનો ભારે માહોલ જોવા મળ્યો હતો. માત્ર 7 નવેમ્બરના એક જ દિવસમાં ₹1,36,118 કરોડના જંગી વ્યવહારો નોંધાયા હતા. નવેમ્બરના શરૂઆતના માત્ર ચાર દિવસમાં જ દૈનિક સરેરાશ વ્યવહાર ₹1.29 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે, જે ઓક્ટોબરની દૈનિક સરેરાશ કરતાં ઘણો આગળ છે. આગામી દિવસોમાં છઠ પૂજા અને લગ્નની ભરપૂર સિઝન હોવાથી કપડાં, દાગીના અને અન્ય ખરીદી માટે UPI નો ઉપયોગ હજુ પણ વધુ વેગ પકડશે તે નિશ્ચિત છે.

આ પણ વાંચોઃ UP Election પહેલાં BJPનું મંથન, મથુરામાં યોગી આદિત્યનાથ સહિત 40 દિગ્ગજ નેતાઓની બેઠક