જાપાનથી નાણાકીય જગતમાં મોટાં સમાચાર સામે આવ્યા છે. બેંક ઓફ જાપાને પોતાના બેન્ચમાર્ક વ્યાજ દરમાં એક ચતુર્થાંશ ટકાનો વધારો કરીને તેને 0.75% સુધી લઈ ગઈ છે. વર્ષ 1995 બાદ પહેલીવાર જાપાનમાં વ્યાજ દર આટલા ઊંચા સ્તરે પહોંચ્યો છે. ગવર્નર કાઝુઓ ઉએડાના નેતૃત્વ હેઠળ લેવાયેલો આ નિર્ણય વધતી મોંધવારીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
ત્રણ દાયકાથી જપાનમાં...
લગભગ ત્રણ દાયકાથી જાપાન ‘શૂન્ય વ્યાજ દર’ અને ભારે નાણાકીય પ્રોત્સાહન નીતિ માટે જાણીતું રહ્યું છે. સસ્તું ધિરાણ, નેગેટિવ અથવા નજીકના શૂન્ય વ્યાજ દર અને યીલ્ડ કર્વ કંટ્રોલ જેવી નીતિઓએ દેશની અર્થવ્યવસ્થાને લાંબા સમય સુધી ટેકો આપ્યો. પરંતુ હવે આ યુગનો અંત આવ્યો હોવાનું સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે.
પ્રથમ વ્યાજ દર વધારો
આ દર વધારો બજાર માટે મોટેભાગે અપેક્ષિત હતો. અનેક અર્થશાસ્ત્રીઓ પહેલેથી જ આગાહી કરી રહ્યા હતા કે બેંક ઓફ જાપાન ટૂંકા ગાળાના વ્યાજ દરને 0.5% પરથી વધારીને 0.75% કરશે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે નવા વડાપ્રધાન સના તાકાચી અને ગવર્નર ઉએડા બંને મોંઘવારીને નિયંત્રણમાં લાવવાની દિશામાં સક્રિય પગલાં લઈ રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે બંને માટે આ પ્રથમ વ્યાજ દર વધારો છે.
મોંઘવારી પર અંકુશ લાવવામાં મદદ
કેન્દ્રીય બેંક દ્વારા વ્યાજ દરમાં વધારો થવાનો સીધો અર્થ છે ચલણ મજબૂત થવું. જાપાનના સંદર્ભમાં, યેન છેલ્લા કેટલાક સમયથી ડોલર અને યુરો સામે નબળું રહ્યું છે, જેના કારણે આયાત મોંઘી બની અને મોંઘવારીને વેગ મળ્યો. વ્યાજ દર વધારાથી યેનને ટેકો મળશે, આયાત ખર્ચમાં ઘટાડો થઈ શકે છે અને મોંઘવારી પર અંકુશ લાવવામાં મદદ મળશે.
જાપાનનો કોર ઇન્ફ્લેશન દર 3%
સત્તાવાર આંકડા મુજબ, નવેમ્બરમાં જાપાનનો કોર ઇન્ફ્લેશન દર 3% રહ્યો છે, જેમાં ખાદ્ય અને ઇંધણના ભાવનો સમાવેશ થતો નથી. આ આંકડો બેંક ઓફ જાપાનના 2%ના લક્ષ્યાંકથી ઉપર છે. આ કારણે જ બજારમાં એવી ચર્ચા છે કે આ વધારો અંતિમ નહીં હોય. મોટાભાગના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આવતા વર્ષે વ્યાજ દરને વધુ વધારીને 1% સુધી લઈ જવાય તેવી શક્યતા છે.
ક્રિપ્ટો એસેટ્સ પર અસર
આ નિર્ણયની અસર વૈશ્વિક બજારોમાં પણ જોવા મળશે. ઊંચા વ્યાજ દરના કારણે જાપાનમાંથી મૂડી પ્રવાહની દિશા બદલાઈ શકે છે, જે શેરબજારો, બોન્ડ માર્કેટ અને ક્રિપ્ટો એસેટ્સ પર અસર કરશે. ખાસ કરીને ક્રિપ્ટો અને ઉદયમાન બજારોમાં અસ્થિરતા વધવાની શક્યતા રોકાણકારો વ્યક્ત કરી રહ્યા છે. જાપાનનો આ વ્યાજ દર વધારો માત્ર એક નાણાકીય નિર્ણય નથી, પરંતુ દાયકાઓથી ચાલતી નીતિમાં મોટો વળાંક છે. તેની અસર જાપાનની ઘરેલુ અર્થવ્યવસ્થા ઉપરાંત વૈશ્વિક નાણાકીય સિસ્ટમમાં પણ લાંબા સમય સુધી અનુભવાશે.
આ પણ વાંચો : Petrol Diesel Price Today: અમદાવાદ સહિત આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર, જાણો 1 લિટરનો લેટેસ્ટ રેટ