ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે જોવા મળેલી નરમાઈની અસર સેન્સેક્સની ટોપ-10 સૌથી મૂલ્યવાન કંપનીઓના માર્કેટ કેપ પર પણ પડી હતી. ટોપ-10માંથી ચાર કંપનીઓના માર્કેટ કેપમાં કુલ ₹87,960.29 કરોડનો ઘટાડો થયો હતો. આ દરમિયાન ટેલિકોમ કંપની ભારતી એરટેલને સૌથી વધુ નુકસાન થયું હતું. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 468.42 પોઈન્ટ એટલે કે 0.60 ટકા અને નિફ્ટી 114 પોઈન્ટ એટલે કે 0.46 ટકા ઘટ્યો હતો.

ભારતી એરટેલના માર્કેટ કેપમાં થયો ઘટાડો 

ભારતી એરટેલનું માર્કેટ કેપ ₹28,052.96 કરોડ ઘટીને ₹12,14,963.15 કરોડ થયું હતું. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના માર્કેટ કેપમાં ₹22,070.34 કરોડનો ઘટાડો થયો અને તે ₹8,31,436.51 કરોડ રહ્યું હતું. ભારતીય સ્ટેટ બેન્ક (SBI)નું માર્કેટ કેપ ₹20,861.20 કરોડ ઘટીને ₹9,64,968.76 કરોડ થયું હતું. જ્યારે હિન્દુસ્તાન યુનિલિવરના માર્કેટ કેપમાં ₹16,975.79 કરોડનો ઘટાડો થઈ ₹4,73,912.56 કરોડ રહ્યો હતો.

LICના માર્કેટ કેપમાં વધારો 

બીજી તરફ ટોપ-10માં સામેલ 6 કંપનીઓના માર્કેટ કેપમાં વધારો થયો હતો. ભારતીય જીવન વીમા નિગમ (LIC)નું માર્કેટ કેપ ₹12,650 કરોડ વધીને ₹5,35,980.31 કરોડ થયું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ₹8,119.53 કરોડનો વધારો થતાં તેનું માર્કેટ કેપ ₹17,78,175.59 કરોડ થયું હતું. લાર્સન એન્ડ ટુબ્રો, બજાજ ફાઈનાન્સ, ICICI બેન્ક અને HDFC બેન્કના માર્કેટ કેપમાં પણ વધારો નોંધાયો હતો. 

માર્કેટ કેપના આધારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. ત્યારબાદ ભારતી એરટેલ, HDFC બેન્ક, ICICI બેન્ક, SBI, TCS, બજાજ ફાઈનાન્સ, L&T, LIC અને હિન્દુસ્તાન યુનિવરનો ક્રમ આવે છે. આગામી સપ્તાહે અનેક કંપનીઓના શેર બજારમાં લિસ્ટ થવાના હોવાથી IPO અને નવી લિસ્ટિંગ પર પણ રોકાણકારોની નજર રહેશે.

આ પણ વાંચો : FPIએ ઓગસ્ટમાં ભારતીય શેરબજારમાં ઠાલવ્યા રૂપિયા 23,544 કરોડ, રોકાણકારોનો વિશ્વાસ વધ્યો

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.