વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)એ ઓગસ્ટમાં ભારતીય શેરબજારમાં પોતાની ખરીદી તેજ કરી છે. કંપનીઓના સારા ત્રિમાસિક પરિણામો, રૂપિયાની સ્થિરતા અને ભારતીય બજારની સારી સંભાવનાઓને કારણે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ફરી મજબૂત થયો છે. ઓગસ્ટમાં અત્યાર સુધી FPIએ ભારતીય શેરબજારમાં ₹23,544 કરોડનું રોકાણ કર્યું છે. આ અગાઉ જુલાઈમાં પણ તેમણે ₹20,200 કરોડ ભારતીય શેરોમાં ઠાલવ્યા હતા.

4 મહિના સુધી FPIએ ભારતીય શેરોમાં વેચવાલી કરી હતી

સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ (ઈન્ડિયા) લિમિટેડ (CDSL)ના આંકડા મુજબ, જુલાઈ પહેલા સતત ચાર મહિના સુધી FPIએ ભારતીય શેરોમાં વેચવાલી કરી હતી. જૂનમાં ₹49,340 કરોડ, મેમાં ₹32,963 કરોડ, એપ્રિલમાં ₹60,847 કરોડ અને માર્ચમાં રેકોર્ડ ₹1.17 લાખ કરોડની વેચવાલી થઈ હતી. જોકે ફેબ્રુઆરીમાં FPIએ ₹22,615 કરોડનું રોકાણ કર્યું હતું.

ભારતીય કંપનીઓની વૃદ્ધિની સંભાવનાઓ

ઓગસ્ટની ખરીદી છતાં 2026માં અત્યાર સુધી ભારતીય શેરબજારમાં FPIની કુલ વેચવાલી લગભગ ₹2.30 લાખ કરોડ રહી છે. વર્ષ 2025માં પણ વિદેશી રોકાણકારોએ ભારતીય શેરોમાં ₹1.66 લાખ કરોડની વેચવાલી કરી હતી. FPIની તાજેતરની ખરીદી પાછળ કંપનીઓના જૂન ત્રિમાસિક ગાળાના સારા પરિણામો, રૂપિયાની સ્થિરતા અને ભારતીય કંપનીઓની વૃદ્ધિની સંભાવનાઓ મુખ્ય કારણો માનવામાં આવે છે. 

અમેરિકા-ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવ પર બજારની નજર

જોકે વિદેશી રોકાણકારો મોટા બેન્કિંગ અને IT શેરોમાં આક્રમક ખરીદી કરવાને બદલે ઊંચા વેલ્યુએશન ધરાવતા પસંદગીના મિડ-કેપ શેરોમાં રોકાણ કરી રહ્યા છે. આગામી સમયમાં કાચા તેલના ભાવ અને અમેરિકા-ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવ પર બજારની નજર રહેશે. ડેટ માર્કેટમાં પણ FPIની સક્રિયતા જોવા મળી છે. ઓગસ્ટમાં અત્યાર સુધી તેમણે FAR હેઠળ ₹852 કરોડનું રોકાણ કર્યું છે, જ્યારે જનરલ રૂટ મારફતે ₹995 કરોડ ઉપાડી લીધા છે.

આ પણ વાંચો : ખાંડના ભાવ કેમ વધી રહ્યા છે?, ભારતથી બ્રાઝિલ સુધી આ છે સૌથી મોટું કારણ

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.