ભારતીય ઘરોમાં વર્ષોથી એક અનોખી પરંપરા ચાલી આવે છે, જેમાં મહિલાઓ ઘરના જૂના, ફાટેલા કે નકામા કપડાં એકઠા કરે છે અને શેરીમાં આવતા ફેરિયાઓને આપીને તેના બદલામાં સ્ટીલ કે પ્લાસ્ટિકના નવા ચમકતા વાસણો લે છે. સામાન્ય લાગતી આ દેશી પદ્ધતિ વાસ્તવમાં વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયકલિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તાજેતરના અહેવાલો અનુસાર, ભારતનો આ પરંપરાગત સેકન્ડ હેન્ડ કપડાંનો વ્યવસાય હવે માત્ર શેરીઓ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ તે કરોડો રૂપિયાના વૈશ્વિક બિઝનેસ મોડલમાં ફેરવાઈ ચૂક્યો છે.
કેવી રીતે કામ કરે છે આ નેટવર્ક?
આ બિઝનેસનું નેટવર્ક અત્યંત વ્યવસ્થિત રીતે કામ કરે છે. ફેરિયાઓ ઘરોમાંથી કપડાં એકત્ર કરીને તેને મોટા વેપારીઓને વેચે છે. આ વેપારીઓ કપડાંની ગુણવત્તાના આધારે તેનું વર્ગીકરણ (Sorting) કરે છે. જે કપડાં પહેરવા લાયક અને સારી સ્થિતિમાં હોય છે, તેને સરખા કરીને, ધોઈને અને ઈસ્ત્રી કરીને ભારતના ગ્રામીણ વિસ્તારો અને ગરીબ પરિવારો સુધી ખૂબ જ સસ્તા ભાવે પહોંચાડવામાં આવે છે. આ પ્રક્રિયાથી મધ્યમ અને નીચલા વર્ગના લોકોને સસ્તા કપડાં મળી રહે છે અને કચરાનું પ્રમાણ પણ ઘટે છે.
પાણીપત બન્યું 'ગ્લોબલ રિસાયકલિંગ હબ'
તમને જાણીને નવાઈ લાગશે કે જે કપડાં સાવ ફાટેલા અને પહેરવા લાયક નથી હોતા, તેને હરિયાણાના પાણીપત (Panipat) જેવા મોટા ટેક્સટાઈલ હબમાં મોકલવામાં આવે છે. પાણીપતને જૂના કપડાંના રિસાયકલિંગ માટેનું વૈશ્વિક કેન્દ્ર માનવામાં આવે છે. અહીં આ નકામા કપડાં અને ચિથરાંને મશીનો દ્વારા તોડીને ફરીથી તેમાંથી સસ્તું અને મજબૂત યાર્ન (દોરો) તૈયાર કરવામાં આવે છે. આ રિસાયકલ કરેલા દોરામાંથી સસ્તી ચાદરો, ધાબળા (Blankets), કાર્પેટ અને પગલૂછણિયાં બનાવવામાં આવે છે, જેની માંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આફ્રિકા અને યુરોપના દેશોમાં પણ ખૂબ વધારે છે.
પર્યાવરણ અને અર્થતંત્ર માટે ડબલ ફાયદો
આ બિઝનેસ મોડલ પર્યાવરણના સંરક્ષણમાં બહુ મોટો ફાળો આપે છે. ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રી દુનિયામાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા સેક્ટર્સમાંની એક છે. જ્યારે જૂના કપડાં રિસાયકલ થાય છે, ત્યારે કપાસ અને પાણીનો વપરાશ ઘટે છે અને કાપડ લેન્ડફિલ (કચરાના ઢગલા)માં જતું અટકે છે. આ ઉદ્યોગ લાખો અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, ફેરિયાઓ અને મહિલાઓને રોજગારી પૂરી પાડે છે. ભારતીયોની આ 'બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ' ની માનસિકતા આજે વૈશ્વિક સ્તરે સસ્ટેનેબલ ફેશન (Sustainable Fashion) નું આદર્શ ઉદાહરણ બની ગઈ છે.
આ પણ વાંચો:AK રાઇફલથી ડ્રોન તોડી પાડવું બનશે સરળ? રશિયાએ બનાવી 3 ભાગમાં વહેંચાઈ જતી નવી ગોળી