આજકાલ મોંઘવારી એટલી વધી ગઈ છે કે દરેક માણસ તેના સામે લડી રહ્યો છે. પરિવારમાં ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે લોકો આજે પૈસા બચાવવા અને રોકાણ કરવા લાગ્યા છે. હાલની પરિસ્થિતિ એવી છે કે આજે 100 રૂપિયાનું મૂલ્ય જાણે માત્ર 10 રૂપિયાનું લાગી રહ્યું છે. જ પ્રકારે આજે તમારી પાસે 1 કરોડ રૂપિયા છે અને તમે વિચારતા હોવ કે તે આગામી 15 વર્ષમાં તમારા મોટા ખર્ચાઓ માટે પૂરતા રહેશે, તો તમે કદાચ ખોટું વિચારી રહ્યાં છો.


1 કરોડ રૂપિયાનું ભવિષ્યમાં એટલું મૂલ્યવાન

ફુગાવા એટલે કે મોંઘવારી વધતા પૈસાની ખરીદ શક્તિ ઘટે છે, એટલે આજના 1 કરોડ રૂપિયાનું ભવિષ્યમાં એટલું મૂલ્યવાન રહેતું નથી. લોકો સામાન્ય રીતે પોતાના ભવિષ્યની જરૂરિયાતો જેમ કે ઘર, બાળકોનું શિક્ષણ કે લગ્ન જેવા ખર્ચાઓ માટે વર્ષો સુધી બચત કરે છે અને મનમાં એક લક્ષ્યાંક રાખે છે કે 20-30 વર્ષમાં 1 કરોડ રૂપિયા એકઠા કરી લીધાં તો દરેક જરૂરિયાત સરળતાથી પૂરી થઇ જશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે સમય જતાં પૈસાનું મૂલ્ય ઘટી જાય છે, અને આજનું 1 કરોડ રૂપિયા ભવિષ્યમાં સમાન ખરીદ શક્તિ ધરાવતા નથી. આ બધું સતત વધતી મોંધવારીને કારણે થાય છે.

મોંધવારીનો કેટલી વધી છે?

મોંધવારી એક એવી સમસ્યા છે કે જેમાં રોજિંદા ચીજવસ્તુઓના ભાવ વધી જાય છે—ખોરાક, ઘર, દવાઓ, વાહન, કપડા જેવી વસ્તુઓ મોંઘી બનતી જાય છે. જ્યારે ભાવ વધે છે, ત્યારે સમાન રૂપિયામાં ઓછી વસ્તુ મળી શકે છે, એટલે કે રૂપિયાની ખરીદ શક્તિ ઘટી જાય છે. ભારતમાં છેલ્લા ઘણાં વર્ષોથી મોંધવારી સરેરાશ 5% થી 7%ની આસપાસ રહ્યી છે. જો આપણે સરેરાશ 6% મોંધવારીનો દર માનીએ, તો ગણતરી મુજબ 2040માં આજના 1 કરોડ રૂપિયા જેટલી ખરીદ શક્તિ મેળવવા માટે 2.39 કરોડ રૂપિયા જરૂર પડશે. સરળ ભાષામાં કહીએ તો, 15 વર્ષ પછી 1 કરોડ રૂપિયા આજના માત્ર 40–42 લાખ જેટલું જ મૂલ્ય ધરાવશે. રૂપિયા ઓછા નહીં થાય, પરંતુ તમે 1 કરોડમાં જે વસ્તુઓ આજે ખરીદી શકો છો એ જ વસ્તુઓ માટે 2040માં લગભગ 2.39 કરોડ ખર્ચવા પડશે.

મોંધવારી સામે બચત

બેંકની બચત અથવા FD પર મળતાં વ્યાજ દરો ઘણીવાર મોંધવારી કરતા ઓછા હોય છે, એટલે પૈસા બેંકમાં રાખવાથી ખરીદ શક્તિ વધતી નથી, કેટલાક કિસ્સામાં તે ઘટી પણ શકે છે. બીજી બાજુ, લાંબા ગાળાના રોકાણો જેમ કે સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સ સામાન્ય રીતે મોંધવારી કરતાં વધારે વળતર આપે છે, એટલે તે તમારા પૈસાનું વાસ્તવિક મૂલ્ય જાળવવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ આજે 1 કરોડ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં 12% વળતર સાથે રોકાણ કરે, તો 15 વર્ષમાં તે લગભગ 5.47 કરોડ થઈ શકે છે, જે મોંધવારીની અસરને હદ સુધી હરાવી શકે છે. જ્યારે FDમાં એ જ રકમ 6.5% વળતર સાથે 2.63 કરોડ થાય છે, અને બચત ખાતામાં માત્ર 1.56 કરોડ સુધી જ વધે છે, જે મોંધવારી સામે પૂરતું નથી.

યોગ્ય રીતે કરો બચત 

મોંધવારી હંમેશા અર્થતંત્રનો ભાગ રહેશે, તેને સંપૂર્ણ રીતે ટાળી શકાતો નથી. પરંતુ યોગ્ય તૈયારી દ્વારા તેની અસરને ઓછું કરી શકાય છે. લાંબા ગાળાની નાણાકીય યોજના, પ્રમાણસર જોખમવાળા રોકાણો, મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિયમિત SIP, અને રોકાણોમાં વિવિધતા રાખવાથી આપણે ભવિષ્યની ખરીદ શક્તિ જાળવી શકીએ છીએ. યોગ્ય રોકાણો સાથે તમે તમારા રૂપિયાનું વાસ્તવિક મૂલ્ય વધારી શકો છો અને ભવિષ્યમાં મોટા ખર્ચાઓને સરળતાથી સંભાળી શકો છો. આથી સમજવું જરૂરી છે કે માત્ર બચત કરવી પૂરતી નથી, પરંતુ મોંધવારીથી વધુ વળતર આપતાં રોકાણોમાં પૈસા મૂકવા જરૂરી છે, જેથી 2040 આવી પહોંચે ત્યારે આજે 1 કરોડ જેવું જ વાસ્તવિક મૂલ્ય તમારા હાથમાં રહે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today: 11 ડિસેમ્બરે જાણો પેટ્રોલનો લેટેસ્ટ રેટ, જાણો તમારા શહેરમાં કેટલા બદલાયા?


  • Follow us on: