CBIએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કંપની પર ગંભીર નાણાકીય અનિયમિતતાઓ અને બેન્ક ફ્રોડના આરોપોને લઈને મુંબઈ, ગુરુગ્રામ અને બેંગલુરુ સહિત કુલ 7 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન કંપનીના તત્કાલીન CEO, CFO અને ડિરેક્ટરોના રહેઠાણો તથા અન્ય સંબંધી સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

https://twitter.com/sandeshnews/status/2054926544284385632


સરકારી બેન્કો અને LICની ફરિયાદને લઈ કાર્યવાહી કરાઈ

CBIની આ કાર્યવાહી વિવિધ સરકારી બેન્કો અને LIC દ્વારા દાખલ કરવામાં આવેલી કુલ 7 ફરિયાદોના આધારે કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ કેસમાં અંદાજિત નુકસાનની રકમ આશરે 27,337 કરોડ રૂપિયા જેટલી છે, જે દેશના મોટા કોર્પોરેટ ફ્રોડ કેસોમાંથી એક માનવામાં આવી રહી છે. દરોડા દરમિયાન તપાસ એજન્સીએ અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડેટા અને નાણાકીય રેકોર્ડ્સ જપ્ત કર્યા છે, જે હવે આગળની તપાસ માટે વિશ્લેષણમાં લેવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દસ્તાવેજો કંપનીના લોન ઉપયોગ અને નાણાકીય વ્યવહારોની તપાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

27,337 કરોડ નુકસાન મામલે તપાસ તેજ બની

આ પહેલા પણ આ કેસમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કંપનીના જોઇન્ટ પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટની ધરપકડ પણ કરવામાં આવી હતી. તપાસ એજન્સી હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ સમગ્ર ફ્રોડ કયા સ્તરે અને કેવી રીતે યોજાયો હતો. CBIએ સ્પષ્ટ કર્યું છે કે તપાસ હજુ ચાલુ છે અને વધુ પુરાવા મળ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ કેસ ભારતીય કોર્પોરેટ ક્ષેત્રમાં એક મોટા નાણાકીય કૌભાંડ તરીકે જોવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : EPFO : ફટાફટ થશે આ કામ...7 કરોડ લોકો માટે ગુડ ન્યૂઝ, EPFO કરવા જઈ રહ્યું છે મોટો ફેરફાર!