કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO તેના સભ્યોની સુવિધા માટે ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવવા સતત પગલાં લઈ રહ્યું છે. આ સાથે જ ATM-UPI થી PF ઉપાડની શરૂઆત થવા જઈ રહી છે. આ બધાની વચ્ચે ટૂંક સમયમાં વધુ એક મોટો ફેરફાર જોવા મળી શકે છે, જે રિટાયરમેન્ટ ફંડ સાથે જોડાયેલો હશે. આ અંગેના તાજા અપડેટ મુજબ, ફાઈનલ PF ફંડ સેટલમેન્ટ ઓટોમેટેડ કરવાની તૈયારી છે. આવું થવાથી નોકરી છોડ્યા પછી PF ના પૈસા બેંક ખાતામાં ઝડપથી ટ્રાન્સફર થશે.
EPFO એ PF ઉપાડ પ્રક્રિયા કરી સરળ
હાલની વાત કરીએ તો, EPFO દ્વારા અત્યારે પાંચ લાખ રૂપિયા સુધીના આંશિક અથવા એડવાન્સ ક્લેમનું સેટલમેન્ટ જ ઓટોમેટેડ રીતે કરવામાં આવે છે અને તેના માટે દાવો દાખલ કર્યાના ત્રણ દિવસ સુધીની ડેડલાઇન નક્કી કરેલી છે. EPFO ના નવા ફેરફારથી ફાયદો એ થશે કે નોકરી છોડ્યા પછી હવે મેમ્બરે પૂરા PF ના પૈસા ઉપાડવા માટે લાંબી રાહ જોવી નહીં પડે.
EPFO કમિશનરે આપ્યું નિવેદન
પીટીઆઈના રિપોર્ટ મુજબ, EPFO સાથે જોડાયેલા એક સિનિયર ઓફિશિયલે આ ફેરફાર ટૂંક સમયમાં લાગુ થવાની જાણકારી આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના 7 કરોડથી વધુ સભ્યો છે અને આ ફેરફાર તેમના માટે મોટા સમાચાર હશે. ન્યૂ લેબર કોડ (New Labour Code) પર એસોચેમના નેશનલ સેમિનારમાં બોલતા, EPFO ના સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિએ કહ્યું, 'અમે અત્યારે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઓટોમેટિક એટલે કે ઓટોમેટેડ સેટલમેન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આ સુવિધા અત્યાર સુધી માત્ર એડવાન્સ ઉપાડ માટે ઉપલબ્ધ હતી, પરંતુ ટૂંક સમયમાં ફાઈનલ PF સેટલમેન્ટ માટે પણ ઓટોમેટિક પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે.
આ કામ માટે ફોર્મની જરૂર નહીં પડે
કૃષ્ણમૂર્તિએ આગળ કહ્યું કે જો કોઈ સભ્ય એમ્પ્લોયર બદલે છે, તો EPFO PF Account ના ઓટોમેટિક નિકાલ અને ટ્રાન્સફરની સુવિધા પણ શરૂ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે હવે તેના માટે તમારે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી. અમે તમારા ખાતાઓને તમારા નવા મેમ્બર એકાઉન્ટમાં ઓટોમેટિક ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. EPFO કમિશનરના જણાવ્યા મુજબ, નવા લીગલ ફ્રેમવર્ક હેઠળ ત્રણ યોજનાઓ, EPF સ્કીમ 1952, કર્મચારી ડિપોઝિટ સાથે જોડાયેલી ઇન્શ્યોરન્સ સ્કીમ 1976 અને એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ 1995 પણ ફરીથી નોટિફાય કરવામાં આવશે. તેમણે કહ્યું, અમે કોઈ મોટા ફેરફારો કર્યા નથી, પરંતુ ભૂતકાળમાંથી મળેલી તમામ શીખને સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે. અમે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી દ્વારા તાજેતરમાં મંજૂર કરાયેલા તમામ નિર્ણયોને સામેલ કર્યા છે, જેમાં PF ઉપાડ (PF Withdrawal) ને સરળ બનાવવા સહિતના અન્ય સુધારા સામેલ છે. આને નવી યોજનાઓમાં સામેલ કરવામાં આવ્યા છે.
'કર્મચારીઓ સાથે અન્યાય ન થવો જોઈએ'
આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ સચિવ વંદના ગુરનાનીએ કહ્યું કે સરકારનો સિદ્ધાંત એ સુનિશ્ચિત કરવાનો છે કે શ્રમિકો સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય. હવે ઉદ્યોગ જગતની એ જવાબદારી છે કે સુધારાને માત્ર પાલનની યાદી તરીકે ન જોવામાં આવે, પરંતુ તેને એક ખુશખાલ, સ્વસ્થ અને પ્રોડક્ટિવ કાર્યબળ પ્રત્યેની પ્રતિબદ્ધતા તરીકે જોવામાં આવે.
ATM-UPI થી પણ ટૂંક સમયમાં PF ઉપાડ
EPFO ને લઈને તાજેતરમાં વધુ એક મોટું અપડેટ સામે આવ્યું હતું. ATM અને UPI થી PF ના પૈસા ઉપાડવા વિશે જે જાણકારી સામે આવી છે તે મુજબ, EPFO મેમ્બર્સ ટૂંક સમયમાં ATM અને UPI ના માધ્યમથી સીધા જ પોતાના ભવિષ્ય નિધિના પૈસા ઉપાડી શકશે. આ સુવિધા આ મે મહિનાના અંત સુધીમાં શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ, આ સુવિધા EPFO-3.0 અપગ્રેડનો હિસ્સો છે. નવી સિસ્ટમ હેઠળ EPFO નવા ATM કાર્ડ જારી કરી શકે છે, જેથી યુઝર્સ કોઈ પણ ડોક્યુમેન્ટેશન કે ઓફિસ ગયા વગર રકમ ઉપાડી શકે.
આ પણ વાંચો- SarahTaylor : મહાન ક્રિકેટર સારા ટેલરે રચ્યો ઈતિહાસ, પુરુષ ક્રિકેટ ટીમની કોચ બનનારી પહેલી મહિલા બની