સરકાર દ્વારા બજેટમાં લેવાયેલા આકરા આર્થિક નિર્ણયોની સીધી અસર હવે એફએમસીજી (FMCG) સેક્ટર અને ગ્રાહકોના ગજવા પર દેખાવા લાગી છે. 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ સરકાર દ્વારા સિગારેટ પર એક્સાઇઝ ડ્યુટી (ઉત્પાદન શુલ્ક) માં 30 થી 40 ટકાનો જંગી વધારો કરવામાં આવ્યો હતો. સરકારના આ ટેક્સ વધારાનો સંપૂર્ણ બોજ કંપનીઓએ ગ્રાહકો પર નાખી દીધો છે, જેના કારણે આઈટીસી (ITC) અને ગોડફ્રે ફિલિપ્સ જેવી દેશની અગ્રણી સિગારેટ કંપનીઓએ કિંમતોમાં ભારે વધારો કર્યો છે. આ ભાવવધારાને પગલે એપ્રિલ અને મે મહિનાના પ્રારંભિક ડેટા અનુસાર, બજારમાં સિગારેટના કુલ વેચાણમાં આશરે ૨૦ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.
પોકેટ પેકથી લઈને કિંગ-સાઇઝ સુધી બધું જ મોંઘું
મીડિયા રિપોર્ટના એક અહેવાલ મુજબ, કંપનીઓએ ગ્રાહકોની મનપસંદ બ્રાન્ડ્સ પર કિંમતો વધારી દીધી છે. ગોડફ્રે ફિલિપ્સે તેના લોકપ્રિય 'પોકેટ માર્લબોરો' ના ભાવ વધાર્યા છે, જ્યારે આઈટીસીએ તેના ગોલ્ડ ફ્લેક સુપરસ્ટાર ના પેકેટની કિંમત ₹70 થી સીધી વધારીને ₹85 કરી દીધી છે. આ બ્રાન્ડ્સ કંપનીઓના કુલ વેચાણમાં 8 થી 12 ટકાનો હિસ્સો ધરાવે છે.
ભાવ વધતા લોકો લોકલ બ્રાન્ડ તરફ વળ્યા
સૌથી મોટો ફટકો "પ્રીમિયમ કિંગ-સાઇઝ" શ્રેણીને પડ્યો છે, જેમાં આઈટીસીની 'ક્લાસિક' કે 'ગોલ્ડ ફ્લેક કિંગ્સ' અને ગોડફ્રે ફિલિપ્સની 'માર્લબોરો' સામેલ છે. જે સિગારેટ પહેલાં 20 રૂપિયાની આસપાસ મળતી હતી, તેના માટે ગ્રાહકોએ હવે 25 થી 28 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. સ્થાનિક ડીલરોના જણાવ્યા અનુસાર, સિગારેટ પીનારાઓની સંખ્યામાં કોઈ મોટો ઘટાડો થયો નથી, પરંતુ લોકો પોતાનું બજેટ જાળવી રાખવા માટે મોંઘી પ્રીમિયમ બ્રાન્ડ્સ છોડીને સસ્તા વિકલ્પો તરફ વળી રહ્યા છે. કિંગ-સાઇઝ સેગમેન્ટ કંપનીઓની કુલ આવકમાં 30 ટકાથી વધુ ફાળો આપતું હોવાથી આ ટ્રેન્ડ કંપનીઓ માટે ચિંતાજનક છે.
કંપનીઓની કમાણી પર અસર અને શેરબજારની સ્થિતિ
બજારના નિષ્ણાતો અને વિશ્લેષકોના મતે, ગ્રાહકોનું સસ્તી બ્રાન્ડ્સ તરફ શિફ્ટ થવું આ મોટી કંપનીઓની બેલેન્સ શીટ પર નકારાત્મક અસર કરશે. અંદાજ છે કે નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ ક્વાર્ટરમાં સિગારેટ બિઝનેસના માર્જિનમાં 800 બેસિસ પોઇન્ટ સુધીનો ઘટાડો આવી શકે છે. સામાન્ય રીતે આઈટીસીનું સિગારેટ માર્જિન 70 ટકા જેટલું ઊંચું રહે છે, તેથી આ મંદી નફાકારકતાને પ્રભાવિત કરશે. જો કે, બજારની આ અસ્થિરતા છતાં શેરબજારમાં આ કંપનીઓના શેર મજબૂત રહ્યા હતા; નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ગોડફ્રે ફિલિપ્સનો શેર ૨.૧૨% ના વધારા સાથે ₹2,364.00 પર અને આઈટીસીનો શેર 0.39% વધીને ₹311.35 પર બંધ રહ્યો હતો.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
આ પણ વાંચોઃ હવે પેટ્રોલ ડીઝલનું ટેન્શન છોડો! માણો ભારતના આ 10 બેસ્ટ અને સુંદર ટ્રેન રૂટ્સ