ભારતમાં ફૂડ બિઝનેસનું ગણિત અને લોકોની ખાવા-પીવાની આદતો ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. એક સમય હતો જ્યારે શહેરના મુખ્ય બજારોમાં મોંઘા લોકેશન પર મોટું રેસ્ટોરન્ટ ખોલવું એ ફૂડ બિઝનેસની સફળતાની ગેરંટી ગણાતું હતું. પરંતુ આજે આ ટ્રેન્ડ બદલાયો છે. દેશમાં હવે પરંપરાગત ડાઈન-ઈન રેસ્ટોરન્ટ્સનો ગ્રોથ વાર્ષિક માત્ર 5 થી 7 ટકાની ઝડપે થઈ રહ્યો છે, જ્યારે તેની સામે 'ક્લાઉડ કિચન' (Cloud Kitchen) 25 થી 30 ટકાની તોફાની ઝડપે વિસ્તરી રહ્યા છે. ભારતીય ફૂડ ટેક માર્કેટમાં ક્લાઉડ કિચનનો હિસ્સો હવે 35 ટકાથી વધુ થઈ ગયો છે.
શું છે આ ક્લાઉડ કિચન મોડેલ?
ક્લાઉડ કિચનને 'ડાર્ક કિચન' પણ કહેવામાં આવે છે. આ એવા રેસ્ટોરન્ટ્સ છે જ્યાં ગ્રાહકોને બેસીને જમવા માટે કોઈ ટેબલ, ખુરશી, વેટર કે મોંઘા ઈન્ટિરિયરની વ્યવસ્થા નથી હોતી. અહીં માત્ર ઓર્ડર મુજબ ઓનલાઈન ખાવાનું તૈયાર કરવામાં આવે છે અને તેને ઝોમેટો (Zomato) કે સ્વિગી (Swiggy) જેવા ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ દ્વારા ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાં એક મોટું રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે ₹20 લાખથી લઈને ₹1 કરોડ સુધીનો જંગી ખર્ચ થાય છે, ત્યાં ક્લાઉડ કિચન માત્ર ₹2 થી ₹5 લાખના નાના રોકાણથી શરૂ કરી શકાય છે.
લોકોના બજેટ અને આદતોમાં મોટો ફેરફાર
રિપોર્ટ્સ અનુસાર, ભારતીય પરિવારોમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનું ચલણ ઝડપથી વધ્યું છે. વર્ષ 2021-22માં સરેરાશ શહેરી પરિવાર મહિનામાં માત્ર 1 કે 2 વાર ઓનલાઈન ખાવાનું મગાવતો હતો, જે હવે વધીને દર મહિને 5 થી 8 વખત થઈ ગયું છે. મેટ્રો સિટીઝમાં તો વર્કિંગ કપલ્સ મહિનામાં 12 થી 15 વાર ઓનલાઈન ઓર્ડર કરે છે અને દર મહિને ₹10,000 થી ₹15,000 માત્ર ફૂડ ડિલિવરી પાછળ ખર્ચે છે. પહેલાં લોકો પોતાની કમાણીના 3 થી 5 ટકા બહારના ખાવા પાછળ ખર્ચતા હતા, જે આંકડો હવે વધીને 12 થી 15 ટકા પર પહોંચી ગયો છે.
કમિશન વધુ છતાં વોલ્યુમનો મોટો ખેલ
ઝોમેટો અને સ્વિગી જેવા પ્લેટફોર્મ દરેક ઓર્ડર પર 22 થી 30 ટકા સુધીનું મોટું કમિશન લે છે. આ ઉપરાંત એપ પર ઉપર દેખાવા માટે ક્લાઉડ કિચને 5 થી 8 ટકા જાહેરાતનો ખર્ચ પણ કરવો પડે છે. સામાન્ય રીતે ડાઈન-ઈન રેસ્ટોરન્ટમાં પ્રોફિટ માર્જિન વધુ હોય છે, પણ તેમની પાસે બેઠક વ્યવસ્થા મર્યાદિત હોય છે. બીજી તરફ, ક્લાઉડ કિચન એક નાની જગ્યાએથી પણ દિવસના 500 થી 1000 ઓર્ડર સરળતાથી પૂરા કરી શકે છે. ઓછા માર્જિન હોવા છતાં આટલા મોટા વોલ્યુમને કારણે ક્લાઉડ કિચનનો કુલ નફો પરંપરાગત રેસ્ટોરન્ટ કરતા વધી જાય છે. વધતા ભાડા અને સ્ટાફના ખર્ચથી પરેશાન ફૂડ ઈન્ડસ્ટ્રી માટે આ નવું મોડેલ ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યું છે.
આ પણ વાંચો:Skin Care: ત્વચા માટે વરદાન છે લીમડો: પિમ્પલ્સથી લઈને પિગ્મેન્ટેશન સહિતની આ 5 મોટી સમસ્યાઓથી અપાવશે કાયમી છુટકારો!