સરકારી કોલસા કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)એ જુલાઈ 2026ના પ્રારંભિક ઉત્પાદન અને સપ્લાયના આંકડા જાહેર કર્યા છે. કંપનીએ જણાવ્યું કે જુલાઈ મહિનામાં કોલસાનું ઉત્પાદન 8.4 ટકા વધીને 5.04 કરોડ ટન પર પહોંચ્યું છે. ગયા વર્ષે જુલાઈમાં ઉત્પાદન 4.64 કરોડ ટન હતું.
ગ્રાહકોને કોલસાની સપ્લાયમાં પણ નોંધપાત્ર વધારો
કંપનીનો ઓફટેક એટલે કે ગ્રાહકોને કોલસાની સપ્લાયમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જુલાઈમાં ઓફટેક 17.4 ટકા વધીને 6.37 કરોડ ટન રહ્યો, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં 5.42 કરોડ ટન હતો. જોકે, એપ્રિલથી જુલાઈ 2026 દરમિયાન કુલ ઉત્પાદન 4.3 ટકા ઘટીને 22 કરોડ ટન થયું છે. ગયા વર્ષે આ સમયગાળામાં ઉત્પાદન 22.98 કરોડ ટન હતું. તેમ છતાં ચાર મહિનામાં ઓફટેક 6.8 ટકા વધીને 26.19 કરોડ ટન રહ્યો છે.
સહાયક કંપનીઓનું પ્રદર્શન કેવું રહ્યું?
કોલ ઈન્ડિયાની સહાયક કંપનીઓના પ્રદર્શન પર નજર કરીએ તો સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (CCL)એ સૌથી સારું પ્રદર્શન કર્યું છે. જુલાઈમાં તેનું ઉત્પાદન 56.9 ટકા વધીને 59 લાખ ટન થયું છે, જ્યારે ઓફટેક 66.1 ટકા વધીને 74 લાખ ટન રહ્યો છે. સાઉથ ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (SECL)નું ઉત્પાદન 17.5 ટકા વધીને 1.15 કરોડ ટન અને ઓફટેક 11.1 ટકા વધીને 1.44 કરોડ ટન થયું છે. વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (WCL)ના ઉત્પાદનમાં પણ 15.5 ટકાનો વધારો નોંધાયો છે.
કંપનીએ એક વર્ષમાં 10.60 ટકાનું વળતર આપ્યું
બીજી તરફ મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ (MCL)નું જુલાઈ ઉત્પાદન 10.7 ટકા ઘટ્યું છે, જોકે તેની સપ્લાયમાં વધારો થયો છે. ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL)નું ઉત્પાદન થોડું વધ્યું, પરંતુ ચાર મહિનાના ઓફટેકમાં ઘટાડો નોંધાયો છે. કોલ ઈન્ડિયાનો શેર શુક્રવારે 0.67 ટકા ઘટીને ₹414.40 પર બંધ થયો હતો. તેમ છતાં વર્ષ 2026માં અત્યાર સુધીમાં શેરે 3.48 ટકા અને એક વર્ષમાં 10.60 ટકાનું વળતર આપ્યું છે. કોલ ઈન્ડિયા ભારતની સૌથી મોટી સરકારી કોલસા ખનન કંપની છે અને દેશના ઉર્જા ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ પણ વાંચો : FIIની વેચવાલી અટકી, જુલાઈ મહિનામાં વિદેશી રોકાણકારોએ કૂલ 40,031 કરોડ રૂપિયાનું કર્યું રોકાણ
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.