વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ જુલાઈ મહિનામાં ભારતીય શેરબજારમાં ફરી ખરીદી શરૂ કરી છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના આંકડા મુજબ, ચાર મહિના સુધી સતત વેચવાલી કર્યા બાદ FPIs જુલાઈમાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં નેટ ખરીદદાર બન્યા છે. NSDLના ડેટા અનુસાર, જુલાઈમાં FPIsએ ભારતીય શેરોમાં કુલ ₹20,200 કરોડનું નેટ રોકાણ કર્યું હતું. 

FIIએ 7 મહિનામાં 2.54 લાખ કરોડનું કર્યું વેચાણ

આ અગાઉ જૂનમાં ₹49,340 કરોડ, મેમાં ₹32,963 કરોડ, એપ્રિલમાં ₹60,847 કરોડ અને માર્ચમાં ₹1.18 લાખ કરોડની મોટી નિકાસ જોવા મળી હતી. છેલ્લે ફેબ્રુઆરી મહિનામાં FPIsએ ભારતીય શેરોમાં ₹22,615 કરોડનું રોકાણ કર્યું હતું. જોકે, જુલાઈમાં ખરીદી છતાં વર્ષ 2026ના પ્રથમ સાત મહિનામાં વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટી માર્કેટમાં હજુ પણ નેટ વેચવાલ રહ્યા છે. જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન તેમણે કુલ ₹2.54 લાખ કરોડની રકમ બહાર કાઢી છે.

FIIએ જુલાઈમાં કૂલ 40,031 કરોડનું રોકાણ કર્યું

બીજી તરફ વિદેશી રોકાણકારોએ ભારતીય ડેટ માર્કેટમાં પણ મજબૂત રસ દાખવ્યો છે. જુલાઈમાં જનરલ ડેટ રૂટ હેઠળ FPIsએ ₹29,212 કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે ડેટ-VRR રૂટ હેઠળ ₹3,033 કરોડનું રોકાણ થયું હતું. જોકે VRR કેટેગરીના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી ₹13,584 કરોડની રકમ બહાર કાઢવામાં આવી હતી. તમામ એસેટ ક્લાસને મળીને જુલાઈમાં કુલ વિદેશી પોર્ટફોલિયો રોકાણ ₹40,031 કરોડ રહ્યું, જે વર્ષનું અત્યાર સુધીનું સૌથી મોટું માસિક રોકાણ છે. 

આ આંકડામાં ઇક્વિટી, ડેટ, હાઇબ્રિડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, મ્યુચ્યુઅલ ફંડ અને વૈકલ્પિક રોકાણ ફંડનો સમાવેશ થાય છે. NSDLના જણાવ્યા અનુસાર, આ આંકડા SEBI અને ડિપોઝિટરીને કસ્ટોડિયન દ્વારા આપવામાં આવેલા અહેવાલોના આધારે તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં 31 જુલાઈ, 2026 સુધી થયેલા FPIsના વ્યવહારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Share Market : સેન્સેક્સની ટોપ-10માંથી 9 કંપનીઓના માર્કેટ કેપમાં ₹2.51 લાખ કરોડનો વધારો, બજાજ ફાઈનાન્સ ટોચના સ્થાને

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.