ભારતીય શેરબજારમાં વધુ એક મોટો IPO આવવાની તૈયારી છે. કોકા-કોલાની ભારતીય બોટલિંગ કંપની હિન્દુસ્તાન કોકા-કોલા હોલ્ડિંગ્સે (HCCH) IPO માટે SEBI સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો છે. આ કંપની ભારતમાં કોકા-કોલા, થમ્સ અપ, સ્પ્રાઇટ, ફેન્ટા અને માઝા જેવી લોકપ્રિય બ્રાન્ડ્સનાં પીણાંનું ઉત્પાદન અને વિતરણ કરે છે. અગાઉના અહેવાલો મુજબ, IPOનું કદ આશરે ₹9,500 કરોડ અને કંપનીનું સંભવિત મૂલ્યાંકન લગભગ $10 અબજ હોઈ શકે છે. જોકે, અંતિમ ઇશ્યૂ સાઇઝ અને શેરની કિંમત હજુ જાહેર કરવામાં આવી નથી.
IPOમાં વેચાશે લગભગ 100 કરોડ શેર
આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ (OFS) હશે. એટલે કંપની નવા શેર બહાર પાડીને ભંડોળ એકત્ર નહીં કરે, પરંતુ હાલના પ્રમોટર પોતાના શેર વેચશે. કંપનીના પ્રમોટર હિન્દુસ્તાન કોકા-કોલા ઓવરસીઝ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ લગભગ 99.75 કરોડ શેર વેચવાની યોજના ધરાવે છે. આ શેરનું ફેસ વેલ્યૂ ₹10 છે. IPO બાદ પ્રમોટરનો હિસ્સો હાલના 60%થી ઘટીને આશરે 45% થઈ શકે છે. હાલમાં કોકા-કોલા પાસે કંપનીનો 60% હિસ્સો છે, જ્યારે જુબિલન્ટ ભારતી ગ્રુપ પાસે 40% હિસ્સો છે. જુબિલન્ટ ભારતી ગ્રુપ આ IPOમાં પોતાના શેર વેચવાનું નથી.
