તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જો તમે વિચારી રહ્યા હોવ કે આ વધારાની અસર માત્ર તમારા વાહનના ઇંધણ બજેટ પર જ પડશે, તો તમે બિલકુલ ખોટા છો. અર્થશાસ્ત્રીઓ અને એફએમસીજી (FMCG) કંપનીઓએ ચેતવણી આપી છે કે કાચા તેલની કિંમતોમાં અસ્થિરતા અને પરિવહન (લોજિસ્ટિક્સ) ખર્ચ વધવાને કારણે આગામી દિવસોમાં રોજિંદા વપરાશની અનેક ચીજવસ્તુઓ મોંઘી થઈ શકે છે, જેની સીધી અસર સામાન્ય માણસના રસોડાના બજેટ પર જોવા મળશે.
ડેઇલી કેર પ્રોડક્ટ્સ મોંઘી થશે
બિસ્કિટ, સ્નેક્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ખાદ્ય તેલ અને પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સ બનાવતી મોટી કંપનીઓએ ખર્ચના દબાણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ ઉદ્યોગોમાં ઓપરેશનલ કોસ્ટનો 6થી10 ટકા હિસ્સો માત્ર લોજિસ્ટિક્સ એટલે કે માલસામાનની હેરફેરમાં વપરાય છે. ડીઝલ મોંઘું થતાં આ કંપનીઓ પોતાના ઉત્પાદનોના ભાવ વધારી શકે છે. આ સિવાય સાબુ, શેમ્પૂ, ડિટર્જન્ટ અને ક્લિનિંગ પ્રોડક્ટ્સ જેવી પર્સનલ કેરની વસ્તુઓ પણ મોંઘી થવાના એંધાણ છે.
દૂધ અને દૂધની બનાવટો મોંઘી થશે
દેશમાં દૂધના ભાવમાં પહેલેથી જ વધારો જોવા મળી રહ્યો છે. અમૂલ (Amul) અને મધર ડેરીએ તાજેતરમાં જ પરિવહન ખર્ચનું બહાનુ ધરીને દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. હવે ઇંધણના ભાવ વધતા દૂધમાંથી બનતી અન્ય પ્રોડક્ટ્સ જેવી કે દહીં, માખણ, પનીર, ચીઝ અને આઈસ્ક્રીમના ભાવ પણ ટૂંક સમયમાં વધી શકે છે.
શાકભાજી, ફળો અને ખેતીનો ખર્ચ વધશે
ભારતમાં ખાદ્યપદાર્થોની સપ્લાય ચેઈન સંપૂર્ણપણે માર્ગ પરિવહન (રોડ ટ્રાન્સપોર્ટ) પર નિર્ભર છે. ડીઝલના ભાવ વધારાને કારણે ટ્રકોનું ભાડું વધશે, જેનો બોજ અંતે ગ્રાહકો પર જ નાખવામાં આવે છે. બીજી તરફ, ખેડૂતો ટ્રેક્ટર, સિંચાઈ પંપ અને લણણીના મશીનો ચલાવવા માટે ડીઝલ પર નિર્ભર છે. ખેતીનો ખર્ચ વધવાને કારણે બજારમાં અનાજ, દાળ, શાકભાજી અને ફળોના ભાવ આસમાને પહોંચી શકે છે, જેની સૌથી વધુ નકારાત્મક અસર ગ્રામીણ પરિવારો પર પડશે.
ઓનલાઈન ડિલિવરી અને મુસાફરી મોંઘી બનશે
જો તમે ઓનલાઈન શોપિંગ કે ફૂડ ડિલિવરી એપ્સનો વધુ ઉપયોગ કરો છો, તો હવે તમારે ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે. કુરિયર કંપનીઓ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ ડિલિવરી ચાર્જ વધારી શકે છે અથવા ફ્રી ડિલિવરી માટે મિનિમમ ઓર્ડરની મર્યાદા વધારી શકે છે. આ ઉપરાંત ટેક્સી ભાડું, બસ મુસાફરી અને ઓટોના ભાડામાં પણ વધારો થવાની પૂરેપૂરી સંભાવના છે.
આ પણ વાંચો:Indian Army:નકશામાં રહેવું છે કે ઇતિહાસ બનવું છે, પાકિસ્તાનને ભારતીય આર્મી ચીફની ચેતવણી