ભારતીય થલસેનાના પ્રમુખ (આર્મી ચીફ) જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને અત્યાર સુધીની સૌથી કડક અને સીધી ચેતવણી આપી છે. દિલ્હીના માણેકશા સેન્ટરમાં આયોજિત 'સેના સંવાદ' કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો પાકિસ્તાન પોતાની ધરતી પર આતંકવાદીઓને આશરો આપવાનું ચાલુ રાખશે અને ભારત વિરૂદ્ધ ષડયંત્રો રચશે, તો તેણે પોતે જ એ નક્કી કરવું પડશે કે તે વિશ્વના ભૂગોળ (નકશા) નો હિસ્સો રહેવા માંગે છે કે પછી ઇતિહાસ બની જવા માંગે છે. આર્મી ચીફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે દેશ 'ઓપરેશન સિંદૂર'ની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યો છે.
શું હતું 'ઓપરેશન સિંદૂર'?
ગયા વર્ષે 7 મેના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં એક ઘાતક આતંકવાદી હુમલો થયો હતો. આ કાયરતાપૂર્ણ હુમલાના જવાબમાં ભારતીય સેનાએ અત્યંત ગુપ્ત અને આક્રમક 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું હતું. ભારતીય સૈનિકોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓ પર સચોટ મિસાઈલ અને હવાઈ હુમલા કર્યા હતા, જેમાં અનેક આતંકી ઠેકાણાઓ નેસ્તનાબૂદ થઈ ગયા હતા.
આ દરમિયાન પાકિસ્તાને પણ વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાના જડબાતોડ જવાબ સામે તે ટકી શક્યું નહીં. બંને દેશો વચ્ચે આ સૈન્ય સંઘર્ષ સતત ૮૮ કલાક સુધી ચાલ્યો હતો અને અંતે 10 મેની સાંજે બંને પક્ષો વચ્ચે સમજૂતી થયા બાદ આ યુદ્ધ વિરામ થયો હતો. ઓપરેશન સિંદૂર એ ભારતની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિનું સૌથી મોટું ઉદાહરણ છે.
જો ફરી આવી ભૂલ કરી તો...
જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનની નાપાક હરકતોને આડે હાથ લેતા કહ્યું કે, પાકિસ્તાને હવે પોતાની જૂની નીતિઓ બદલવી જ પડશે. જો પાકિસ્તાન ફરી એકવાર ઓપરેશન સિંદૂર જેવી સ્થિતિનું નિર્માણ કરશે, તો ભારતીય સેના આ વખતે પહેલા કરતા પણ વધુ મજબૂત, ઘાતક અને ઝડપી જવાબ આપવા માટે સંપૂર્ણ સજ્જ છે. આ ઓપરેશન દરમિયાન ભારતીય આર્મી, એરફોર્સ અને નેવી વચ્ચે અદભુત તાલમેલ જોવા મળ્યો હતો, જે ભારતની સંયુક્ત સૈન્ય તાકાત દર્શાવે છે.
કેમ મહત્વનું છે આ નિવેદન?
આર્મી ચીફનું આ નિવેદન વૈશ્વિક સ્તરે અને કૂટનીતિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેનાથી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ ગયો છે કે ભારત પોતાના પર થયેલા હુમલાઓને ભૂલ્યું નથી. ભારત હંમેશા શાંતિ અને વિકાસ ઈચ્છે છે, પરંતુ જો રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતા પર આંચ આવશે તો સેના આર્થિક, કૂટનીતિક અને સૈન્ય એમ ત્રણેય સ્તરે પાકિસ્તાનને બરબાદ કરવા સક્ષમ છે. હવે આખરી નિર્ણય પાકિસ્તાને કરવાનો છે કે તે શાંતિનો રસ્તો પસંદ કરે છે કે પછી ઇતિહાસના અંધકારમય પાનાઓમાં ખોવાઈ જવા માંગે છે.
આ પણ વાંચો:Knowledge:જમીનની અંદર પાઇપ દાટીને AC-હીટર બંનેનું કામ!જાણો વિદેશની આ ખાસ ટેકનોલોજી વિશે