બદલાતી ઋતુઓની સાથે ભારતમાં હોમ એપ્લાયન્સિસનો વપરાશ ખૂબ વધી ગયો છે. ઉનાળો શરૂ થતાં જ ઘરોમાં એસી (AC) અને શિયાળો આવતા જ હીટરની ડિમાન્ડ આસમાને પહોંચી જાય છે. આ બંને ઉપકરણો આરામ તો આપે છે, પરંતુ સાથે જ વીજળીનું મોટું બિલ પણ લાવે છે. જોકે, આજકાલ સોશિયલ મીડિયા અને ટેકનોલોજીની દુનિયામાં એક એવી સિસ્ટમની ભારે ચર્ચા થઈ રહી છે, જે વિદેશોમાં ખૂબ લોકપ્રિય છે અને હવે ભારતમાં પણ તેનો ઉપયોગ વધી રહ્યો છે. આ સિસ્ટમ એક જ વારના ખર્ચે એસી અને હીટર બંનેનું કામ એકસાથે કરે છે.
શું છે આ ખાસ સિસ્ટમ
આ અદભુત ટેકનોલોજીને 'હીટ પંપ સિસ્ટમ' (Heat Pump System) અથવા જીઓથર્મલ સિસ્ટમ કહેવામાં આવે છે. આ સિસ્ટમ કોઈ નવી હવા કે ઠંડક જાતે પેદા નથી કરતી, પરંતુ તે તાપમાન અથવા ગરમીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. આ માટે ઘરની બહાર જમીનની અંદર ઊંડે સુધી ખાસ પાઇપલાઇન નાખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે જમીનની અંદરનું તાપમાન આખું વર્ષ લગભગ એકસરખું અને સ્થિર રહે છે.
ઉનાળાની ઋતુમાં જ્યારે બહાર ભારે ગરમી હોય છે, ત્યારે આ સિસ્ટમ ઘરની ગરમ હવાને ખેંચીને જમીનની અંદર મોકલે છે. જમીનની નીચેથી પસાર થવાને કારણે આ હવા કુદરતી રીતે ઠંડી થઈ જાય છે અને પછી પાઇપના બીજા છેડા દ્વારા ઘરની અંદર પહોંચે છે, જેનાથી આખું ઘર એસીની જેમ ઠંડુંગાર થઈ જાય છે. શિયાળામાં આ પ્રક્રિયા બિલકુલ ઉલટી થઈ જાય છે. તે સમયે જમીનની અંદરની ગરમીને ખેંચીને ઘરની અંદર મોકલવામાં આવે છે, જે રૂમ હીટરનું કામ કરે છે.
સિસ્ટમના મુખ્ય ભાગો અને વીજળીની બચત
૧. એવાપોરેટર: જે બહારની હવાને ખેંચીને પાઇપમાં મોકલે છે.
૨. કમ્પ્રેસર: જે તાપમાનને જરૂરિયાત મુજબ ઓછું કે વધારે સેટ કરે છે.
૩. કન્ડેન્સર: જે છેલ્લે ઠંડી કે ગરમ હવાને ઘરની અંદર છોડે છે.
આ સિસ્ટમ સામાન્ય એસી અને હીટર કરતા ઘણી સસ્તી અને પર્યાવરણને અનુકૂળ (Eco-friendly) છે, કારણ કે તે કુદરતી ઉર્જાનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ લગાવવાથી વીજળીના બિલમાં ૩૦ થી ૪૦ ટકા સુધીનો મોટો ઘટાડો કરી શકાય છે.
કેવા ઘરો માટે છે ઉપયોગી અને કેટલો થાય છે ખર્ચ?
આ સિસ્ટમ લગાવવા માટે ઘરની બહાર ખુલ્લી અને પૂરતી જગ્યા હોવી જરૂરી છે, કારણ કે આમાં જમીનનું ખોદકામ કરવું પડે છે. જે લોકો ફ્લેટ અથવા એપાર્ટમેન્ટમાં રહે છે, તેમના માટે આ સિસ્ટમ ઉપયોગી નથી. મોટા અને પ્લાનિંગ સાથે બનેલા સ્વતંત્ર ઘરો કે બંગલા માટે આ ટેકનોલોજી બેસ્ટ છે. ભારતમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો અંદાજિત ખર્ચ ₹૮૦,૦૦૦ થી લઈને ₹૨,૦૦,૦૦૦ સુધીનો હોઈ શકે છે. એકવાર રોકાણ કર્યા પછી તે વર્ષો સુધી વીજળીના બિલની ચિંતા વગર ઘરોને ઠંડા અને ગરમ રાખે છે.
આ પણ વાંચો:Middle East Crisis:ઈરાન યુદ્ધના કારણે ખાડી દેશોમાં દરાર,સાઉદી અને કતારે UAEથી દૂરી બનાવી