મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે ખાડી દેશોના આંતરિક સંબંધોમાં મોટો ભૂકંપ આવ્યો છે. ઈરાન સામે સંયુક્ત મોરચો ખોલવાની સંયુક્ત આરબ અમીરાત (UAE) ની યોજના ધ્વસ્ત થઈ ગઈ છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન દ્વારા ખાડી દેશોને એકઠા કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે, કારણ કે સાઉદી અરેબિયા અને કતાર જેવા શક્તિશાળી દેશોએ આ યુદ્ધથી સ્પષ્ટ દૂરી બનાવી લીધી છે.
UAE પર ઈરાનનો ભીષણ હુમલો
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદ ઈરાને પોતાનો ગુસ્સો ખાડી દેશો પર ઠાલવ્યો હતો, જેમાં સૌથી વધુ નુકસાન UAEને થયું છે. ઈરાને UAE પર અંદાજે 3,000 જેટલા ડ્રોન અને મિસાઈલ છોડ્યા હતા, જેમાંથી મોટાભાગના એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હતા. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે આ દેશોના તેલ અને ગેસના ઉત્પાદનને મોટો ફટકો પડ્યો હતો.
આ પરિસ્થિતિને જોતા UAEના રાષ્ટ્રપતિએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ફોન પર વાત કરીને સંયુક્ત સૈન્ય જવાબ આપવા અપીલ કરી હતી. તેમણે 1981માં સ્થપાયેલી ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) ના નિયમોનો પણ હવાલો આપ્યો હતો. જોકે, સાઉદી અરેબિયા આ યુદ્ધમાં સીધું કૂદવા માંગતું ન હતું. સાઉદીનું માનવું હતું કે લશ્કરી કાર્યવાહીથી સ્થિતિ વધુ વણસી શકે છે, તેથી તેમણે માત્ર સુરક્ષા અને બચાવ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું.
UAEએ ગુસ્સામાં OPEC છોડ્યું
જ્યારે અન્ય દેશોએ સાથ ન આપ્યો, ત્યારે માર્ચ અને એપ્રિલ મહિનામાં UAEએ એકલા હાથે ઈરાન પર મર્યાદિત જવાબી હુમલા કર્યા. આ પગલાથી સાઉદી અને UAE વચ્ચે યમન અને સુદાનના મુદ્દે ચાલી રહેલો તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. પરિણામે, ભારે નારાજગી વચ્ચે UAEએ વૈશ્વિક તેલ સંગઠન 'OPEC' છોડવાની જાહેરાત કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. આ યુદ્ધ દરમિયાન માત્ર ઈઝરાયેલે જ UAEની ખુલ્લેઆમ મદદ કરી છે. ઈઝરાયેલે UAE સાથે ગુપ્ત માહિતી શેર કરી અને પોતાની પ્રખ્યાત 'આયર્ન ડોમ' એર ડિફેન્સ સિસ્ટમ પણ સૈનિકો સાથે UAE મોકલી હતી.
અમેરિકાના દબાણ છતાં કતાર-કુવૈત કેમ પાછળ હટ્યા?
અમેરિકાનું ટ્રમ્પ પ્રશાસન પણ ઈચ્છતું હતું કે સાઉદી અરેબિયા અને કતાર આ સંયુક્ત ઓપરેશનનો હિસ્સો બને. પરંતુ કતાર, કુવૈત, બહેરીન અને ઓમાને યુદ્ધથી દૂર રહેવાનું મુનાસિબ માન્યું. આ દેશોને ડર હતો કે જો તેઓ યુદ્ધમાં જોડાશે, તો ઈરાન તેમની ધરતી પર આવેલા અમેરિકી સૈન્ય મથકો (US Military Bases) ને નિશાન બનાવી શકે છે. કતારે પોતાના ગેસ પ્લાન્ટ પર હુમલો થયા પછી પણ જવાબી હુમલો કરવાને બદલે શાંતિ અને મધ્યસ્થતાનો રસ્તો પસંદ કર્યો છે. આ ઘટનાક્રમે સાબિત કર્યું છે કે ઈરાનના જોખમ સામે ખાડી દેશોની એકતા હવે માત્ર કાગળ પર જ રહી ગઈ છે.
આ પણ વાંચો:થાઈલેન્ડમાં મોટી દુર્ઘટના, બેંગકોકમાં માલગાડીએ બસને મારી ટક્કર, 5થી વધુ લોકોના મોત