Crude Oil: 9 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો. મધ્ય પૂર્વમાં સૈન્ય સંઘર્ષ અચાનક વધી જતાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલના સ્તરને પાર કરી ગયો. જોર્ડનમાં અમેરિકાના સૈન્ય મથકો પર થયેલા હુમલા અને હોમુર્ઝની ખાડી જેવા મહત્વના દરિયાઈ માર્ગ પરથી તેલનો પુરવઠો ખોરવાઈ શકે તેવી આશંકાએ બજારમાં ચિંતા વધારી છે. દુનિયાના લગભગ 20 ટકા પેટ્રોલિયમનો પરિવહન આ માર્ગથી થાય છે. તેથી પુરવઠો અટકવાની આશંકાથી વૈશ્વિક શેરબજારો, સરકારી બોન્ડ અને કરન્સી માર્કેટમાં પણ તેની અસર જોવા મળી છે.
ભારત માટે મોંઘું ક્રૂડ મોટો આર્થિક પડકાર
ભારત જેવા મોટા એનર્જી આયાતકાર દેશ માટે 100 ડોલરથી ઉપરનું ક્રૂડ ઓઇલ ચિંતાનો વિષય છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 90 ટકા કાચું તેલ વિદેશમાંથી આયાત કરે છે. ક્રૂડના ભાવમાં પ્રતિ બેરલ 10 ડોલરનો વધારો થાય તો ભારતનું વાર્ષિક આયાત બિલ લગભગ 13થી 15 અબજ ડોલર વધી શકે છે. જેના કારણે ચાલુ ખાતાની ખાધ (CAD) વધી શકે છે અને ડોલર સામે ભારતીય રૂપિયો દબાણમાં આવી શકે છે. મોંઘા આયાતી ઇંધણને કારણે છૂટક મોંઘવારી (CPI) વધવાનું જોખમ પણ છે. આવી સ્થિતિમાં RBI દ્વારા આગામી સમયમાં વ્યાજદરમાં ઘટાડો કરવાની શક્યતા પર પણ અસર પડી શકે છે.
બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરને પાર
બુધવારે બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફ્યુચર્સનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયો. 24 જુલાઈ બાદ પહેલીવાર બ્રેન્ટ ક્રૂડ આ સ્તરે પહોંચ્યું છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે આ વિસ્તારમાંથી તેલના પુરવઠાને લઈને ચિંતા વધી છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 2.15 ડોલર એટલે કે 2.2 ટકા વધીને 100.07 ડોલર પ્રતિ બેરલ થયું. જ્યારે યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ 1.70 ડોલર એટલે કે 1.83 ટકા વધીને 94.73 ડોલર પ્રતિ બેરલ થયું. ગયા મહિનાની શરૂઆતથી બ્રેન્ટના ભાવમાં લગભગ એક ચતુર્થાંશનો વધારો થયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા તણાવનો કાયમી ઉકેલ આવે તેવી શક્યતા પણ ઓછી દેખાઈ રહી છે.
મધ્ય પૂર્વના તણાવથી તેલના ભાવ વધ્યા
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે અમેરિકાના યુદ્ધ જહાજો પર હુમલાના પ્રયાસોના જવાબમાં વોશિંગ્ટન ઈરાનના ઓઇલ ટેન્કરોને નિશાન બનાવવાનું ચાલુ રાખશે. કોલંબિયાની મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાત કરતા રુબિયોએ કહ્યું કે ઈરાન સતત અમેરિકન નેવીના જહાજો પર હુમલાના પ્રયાસ કરી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ, જ્યારે પણ આવો હુમલો કરવામાં આવશે અથવા તેનો પ્રયાસ થશે ત્યારે ઈરાનને પોતાના ઓઇલ ટેન્કરો ગુમાવવા પડશે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે મંગળવારે જણાવ્યું હતું કે અમેરિકન યુદ્ધ જહાજ પર છેલ્લા બે દિવસમાં મિસાઇલ હુમલાના પ્રયાસો બાદ અમેરિકન સેનાએ 8 સપ્ટેમ્બરે ઈરાનના પાંચ ક્રૂડ ઓઇલ ટેન્કરો નષ્ટ કર્યા. જોર્ડનની સરકારી સમાચાર એજન્સીએ સેનાને ટાંકીને જણાવ્યું કે જોર્ડનના એર-ડિફેન્સ સિસ્ટમે ઈરાન તરફથી છોડવામાં આવેલી 20 બેલિસ્ટિક મિસાઇલમાંથી 18ને અટકાવી દીધી. બાકીની બે મિસાઇલ ખાલી વિસ્તારમાં પડી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
શું ક્રૂડના ભાવ હજુ વધી શકે?
ગોલ્ડમેન સૅક્સે ચેતવણી આપી છે કે જો મધ્ય પૂર્વમાં શિપિંગ પર હુમલા વધુ વધી જશે તો ક્રૂડ ઓઇલના ભાવ 120 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ફરી શરૂ થયેલા સંઘર્ષને કારણે ક્રૂડ ઓઇલના પુરવઠામાં વિક્ષેપ થવાની ચિંતા વધી છે. ગોલ્ડમેન સૅક્સમાં ગ્લોબલ કોમોડિટીઝ રિસર્ચના કો-હેડ ડાન સ્ટ્રુવને બ્લૂમબર્ગને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તાજેતરની ઘટનાઓ બતાવે છે કે શિપિંગમાં મોટો અને ગંભીર વિક્ષેપ થવાનું જોખમ હવે મહત્વની ચિંતા બની ગયું છે.
ગેસ અને ઇંધણના ભાવ પણ વધી શકે
સ્ટ્રુવને કહ્યું કે ગોલ્ડમેન સૅક્સને કાચા તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. તેમણે રોકાણકારોને નેચરલ ગેસ અને રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ઊંચા ભાવ માટે તૈયાર રહેવાની સલાહ આપી છે. તેમના જણાવ્યા મુજબ, ગેસ અને ઇંધણના પુરવઠામાં આવતો ઝટકો ક્રૂડ ઓઇલ માર્કેટ કરતાં પણ મોટો હોઈ શકે છે.
લાંબો વિક્ષેપ એટલે વધુ મોંઘું તેલ
ઓઇલ માર્કેટ માટે પુરવઠામાં વિક્ષેપ કેટલો સમય ચાલે છે તે ખૂબ મહત્વનું રહેશે. JP મોર્ગનના અંદાજ પ્રમાણે વિક્ષેપનો દરેક વધારાનો મહિનો બ્રેન્ટના ભાવમાં લગભગ 7થી 8 ડોલર પ્રતિ બેરલનો વધારો કરી શકે છે. જો પુરવઠામાં વિક્ષેપ ત્રણ મહિના સુધી ચાલે તો બેંકના અંદાજ પ્રમાણે બ્રેન્ટનો સરેરાશ માસિક ભાવ લગભગ 114 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે.
અલગ-અલગ સંસ્થાઓએ પણ વધાર્યા ભાવના અંદાજ
સિટીએ ત્રીજા ક્વાર્ટર માટે બ્રેન્ટ ક્રૂડના સરેરાશ ભાવનો અંદાજ 80 ડોલરથી વધારીને 86 ડોલર પ્રતિ બેરલ કર્યો છે. ANZના વિશ્લેષકોએ પણ ટૂંકા ગાળાના બ્રેન્ટ ક્રૂડના ભાવનો અંદાજ વધારીને 95 ડોલર પ્રતિ બેરલ કર્યો છે. વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે જો મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધુ વધશે તો ક્રૂડ ઓઇલના ભાવમાં હજુ વધારો થઈ શકે છે.
આ પણ વાંચો: ઓઇલ સાવ સસ્તું થઇ જશે! ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવાએ લોકોને ચોંકાવી દીધા
