અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક અર્થવ્યવસ્થા અને ઉર્જા બજારને લઈને એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ઈરાન સાથેના સંભવિત યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના ભાવમાં ભારે ઘટાડો જોવા મળશે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વાત કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે યુદ્ધ જીત્યા પછી ગેસના ભાવ ઘટીને ત્રણ ડોલર પ્રતિ ગેલન અને ભવિષ્યમાં બે ડોલર પ્રતિ ગેલનથી પણ નીચે આવી શકે છે. આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા કોઈપણ ભોગે ઈરાનને પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવા દેશે નહીં.

ઈરાને અમેરિકાને લીધા આડે હાથ

આ નિવેદનની પ્રતિક્રિયા આપતા ઈરાને અમેરિકાને આડે હાથ લીધી છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે ચેતવણી આપી છે કે જો અમેરિકા દ્વારા ઈરાનની ઉર્જા સુવિધાઓ અથવા તેલ ટેન્કરોને નિશાન બનાવવામાં આવશે, તો ઈરાન પણ એટલી જ આક્રમકતાથી વળતો પ્રહાર કરશે. ઈરાને યાદ અપાવ્યું છે કે તેની તેલ અને ગેસ ઉત્પાદન પ્રણાલી ખૂબ જ મજબૂત છે અને અગાઉ પણ તેના વળતા પ્રહારના પરિણામો દુનિયાએ જોયા છે.

અમેરિકી સૈન્યની ધમકી અને તેલ ટેન્કરો પર કાર્યવાહી

અમેરિકી સંરક્ષણ વિભાગ અને યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા ઈરાન વિરુદ્ધ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. યુએસ સચિવ પીટ હેગસેથે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ઈરાની સેના દ્વારા અમેરિકી જહાજો પર હુમલો કરવામાં આવશે, તો યુએસ દળો ઈરાનના તમામ તેલ ટેન્કરોનો સંપૂર્ણ નાશ કરી દેશે. સેન્ટકોમ દ્વારા તાજેતરમાં જ ત્રણ ઈરાની ક્રૂડ ઓઈલ ટેન્કરો પર કરવામાં આવેલા હુમલાનો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો હતો.

ઈરાનના તેલ પુરવઠાને મોટું નુકસાન વેઠવું પડશે

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ટેન્કરો એક મોટા નાણાકીય નેટવર્ક સાથે જોડાયેલા હતા, જેમાંથી મળતી આવકનો ઉપયોગ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ અને તેના પ્રાદેશિક સહયોગીઓને ફંડ પૂરું પાડવા માટે થતો હતો. સેન્ટકોમના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરે જણાવ્યું હતું કે અમેરિકી જહાજોને નુકસાન પહોંચાડવાના કોઈપણ પ્રયાસથી ઈરાનના તેલ પુરવઠાને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે.

મધ્યપૂર્વની બદલાતી સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય રાજકારણ

આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગને ઇઝરાયલ પર ગંભીર આરોપો મૂક્યા છે. એર્દોગનના જણાવ્યા મુજબ, ઇઝરાયલ અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિપૂર્ણ કરારોને તોડફોડ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક તરફ ટ્રમ્પ યુદ્ધ જીતીને ઉર્જા બજારને પોતાના નિયંત્રણમાં લાવવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ ઈરાની શાસનનો કાયમ માટે અંત લાવવાના પોતાના લક્ષ્ય પર અડગ છે. આ તમામ ઘટનાક્રમને કારણે મધ્યપૂર્વમાં ભય અને અનિશ્ચિતતાનો માહોલ છવાયો છે.

આ પણ વાંચોઃ Nepal Flood: 5,000થી વધુ લોકો ગુમ છતાં 900 લોકોને શોધવા પર જ ફોકસ કેમ? આ રહ્યું ચોંકાવનારૂં કારણ