આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તેલની અસ્થિરતા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થતાની સાથે જ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. એક સમય હતો જ્યારે યુદ્ધની સ્થિતિને કારણે ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $120 ના સ્તરને આંબી ગયું હતું, જેના કારણે વિશ્વભરમાં મોંઘવારી અને ઈંધણ સંકટ વકર્યું હતું. જોકે, હવે આ આંકડો $77 થી પણ નીચે આવી ગયો છે, જે છેલ્લા ચાર મહિનામાં સૌથી નીચો ભાવ છે.


ભાવ ઘટવાનું મુખ્ય કારણ

ક્રૂડ ઓઇલના ભાવમાં આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ યુએસ-ઈરાન વચ્ચે થયેલો શાંતિ કરાર છે. યુએસ ટ્રેઝરી દ્વારા ઈરાની તેલના વેચાણ પરની મંજૂરી અને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી કાર્યરત થતા સપ્લાય ચેઇનમાં સુધારો થયો છે. એશિયન ખરીદદારો માટે ઈરાન ડિસ્કાઉન્ટ પર તેલ ઉપલબ્ધ કરાવી રહ્યું છે, જેના કારણે બજારમાં તેલની ઉપલબ્ધતા વધી છે.

શું સામાન્ય લોકોને રાહત મળશે?

ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની આશા જાગી છે. વર્ષોથી તેલ કંપનીઓ ભાવમાં વધારો કરી રહી હતી, ત્યારે હવે ભાવ ઘટતા લોકોમાં રાહતની અપેક્ષા સ્વાભાવિક છે. નિષ્ણાતોના મતે, આ ઘટાડો ભારતનું આયાત બિલ ઘટાડવામાં અને રૂપિયાને મજબૂત કરવામાં મદદરૂપ થશે.

હાલ મોટા ઘટાડાની શક્યતા ઓછી

નિષ્ણાતોના મતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક મોટો ઘટાડો થવાની શક્યતા ઓછી છે. તેનું કારણ એ છે કે ભારતમાં ઇંધણના ભાવ માત્ર ક્રૂડ ઓઇલ પર જ નહીં, પરંતુ ટેક્સ, રિફાઇનિંગ માર્જિન અને માર્કેટિંગ ખર્ચ જેવા અનેક પરિબળો પર નિર્ભર કરે છે. અત્યારે ગ્રાહકોએ ઇંધણના ભાવમાં તાત્કાલિક ઘટાડા માટે રાહ જોવી પડી શકે છે. ક્રૂડ ઓઇલનું નીચું સ્તર ચોક્કસપણે અર્થતંત્ર માટે સકારાત્મક સંકેત છે અને ફુગાવાને કાબૂમાં રાખવામાં મદદ કરશે, પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ક્યારે અને કેટલો થશે, તે તેલ કંપનીઓ અને સરકારની ભાવિ નીતિઓ પર નિર્ભર રહેશે.

આ પણ વાંચોઃ Elon Muskનો 'ટ્રિલિયોનેર' તાજ છીનવાયો, 48 કલાકમાં ગુમાવ્યા અબજો ડોલર!


  • Follow us on: