વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લા તેમજ સ્પેસએક્સના માલિક એલોન મસ્ક હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા જ જ્યારે મસ્ક વિશ્વના પ્રથમ 'ટ્રિલિયોનેર' બન્યા ત્યારે દુનિયાભરમાં તેમના નામના ડંકા વાગ્યા હતા. જોકે, આ ખુશી લાંબો સમય ટકી શકી નથી. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, એલોન મસ્કની સંપત્તિમાં અચાનક મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે તેઓ હવે ફરી એકવાર ટ્રિલિયોનેર ક્લબમાંથી બહાર થઈ ગયા છે.
શું છે નુકસાનનું કારણ?
મસ્કની સંપત્તિમાં આ કડાકો આવવાનું મુખ્ય કારણ તેમની કંપની 'સ્પેસએક્સ' (SpaceX) ના શેરમાં થયેલો ઘટાડો છે. તાજેતરમાં જ સ્પેસએક્સ શેરબજારમાં લિસ્ટ થઈ હતી, જેના કારણે મસ્કની સંપત્તિમાં ઉછાળો આવ્યો હતો. પરંતુ લિસ્ટિંગ બાદ રોકાણકારો દ્વારા મોટા પાયે 'પ્રોફિટ બુકિંગ' શરૂ થતાં શેરના ભાવ ગગડી ગયા હતા. સોમવારે સ્પેસએક્સના શેરમાં ૧૭ ટકાનો મોટો ઘટાડો થયો હતો, જેની સીધી અસર મસ્કની નેટવર્થ પર પડી.
માત્ર 2 દિવસમાં વિશાળ નુકસાન
અહેવાલો અનુસાર, સોમવારે મસ્કની સંપત્તિમાં ૧૫૨ બિલિયન ડોલરનો ઘટાડો થયો હતો, અને ત્યારબાદ મંગળવારે ૨૪ કલાકમાં વધુ ૧૧૮ બિલિયન ડોલર સાફ થઈ ગયા. આ માત્ર ૪૮ કલાકમાં થયેલું નુકસાન જેફ બેઝોસની કુલ સંપત્તિ (જે ૨૫૭ બિલિયન ડોલર છે) કરતા પણ વધારે છે. આ કડાકા બાદ હવે તેમની કુલ સંપત્તિ ઘટીને ૯૫૭ બિલિયન ડોલર પર આવી ગઈ છે. આ ઉપરાંત, ટેસ્લાના શેરમાં પણ ૬ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
અન્ય અબજોપતિઓની સ્થિતિ
આ બજારના ઉતાર-ચઢાવનો માર માત્ર મસ્કને જ નથી પડ્યો, પરંતુ અન્ય દિગ્ગજ અબજોપતિઓ પણ તેની ઝપેટમાં આવ્યા છે. લેરી એલિસને ૨૪ કલાકમાં ૧૧.૧ બિલિયન ડોલર, જેન્સન હુઆંગે ૭.૦૫ બિલિયન ડોલર અને માર્ક ઝુકરબર્ગ જેવા મોટા નામોની સંપત્તિમાં પણ ઘટાડો થયો છે. બીજી તરફ, જેફ બેઝોસ અને માઈકલ ડેલ જેવા અમુક અબજોપતિઓની સંપત્તિમાં થોડો વધારો જોવા મળ્યો છે.
જોકે, આટલા મોટા ઘટાડા છતાં એલોન મસ્ક હજુ પણ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યા છે. શેરબજારની આ અસ્થિરતા આગામી દિવસોમાં મસ્કની સંપત્તિમાં કેવા ફેરફારો લાવે છે, તે જોવું રસપ્રદ રહેશે.
આ પણ વાંચોઃ Ukraine એ રશિયાના તેલ ભંડાર કર્યા ખાલી, દુનિયાના સૌથી મોટા તેલ ઉત્પાદકને ઘૂંટણિયે પાડ્યું