વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાં ગણાતું રશિયા હાલમાં એક ગંભીર ઈંધણ સંકટનો સામનો કરી રહ્યું છે. યુક્રેન દ્વારા રશિયાની મુખ્ય તેલ રિફાઇનરીઓ પર કરવામાં આવી રહેલા સતત ડ્રોન હુમલાઓએ રશિયાની આંતરિક અર્થવ્યવસ્થા અને તેલ પુરવઠાની વ્યવસ્થાને હચમચાવી દીધી છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે જે દેશ દુનિયાભરમાં તેલની નિકાસ કરે છે, તેણે હવે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે વિદેશથી પેટ્રોલ અને ડીઝલની આયાત કરવાની ફરજ પડી રહી છે.


રશિયામાં સર્જાયેલું ઈંધણ સંકટ

યુક્રેનના હુમલાઓને કારણે રશિયાની ગેસોલિન ઉત્પાદન ક્ષમતામાં આશરે ૨૫ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. રિફાઇનરીઓમાં થયેલા નુકસાનને પગલે અનેક પ્લાન્ટ્સમાં અચાનક સમારકામની કામગીરી શરૂ કરવી પડી છે, જેના પરિણામે રશિયાના તેલ બજારમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. રશિયાના વિવિધ પ્રદેશોમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત વર્તાઈ રહી છે, જેના કારણે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે.

ઇંધણની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને પણ સ્વીકાર્યું છે કે નાગરિક માળખાગત સુવિધાઓ પરના આ હુમલાઓનો હેતુ સમાજમાં અસ્થિરતા પેદા કરવાનો છે. આ સંકટને પહોંચી વળવા માટે સરકારે ઇંધણની નિકાસ પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. ખાસ કરીને રશિયન-નિયંત્રિત ક્રિમીઆના સેવાસ્તોપોલ શહેરમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. અહીં ઇંધણની બચત કરવા માટે સરકારે કડક પગલાં લીધાં છે, જેમાં રાત્રે ૧૦ વાગ્યા પછી ખાનગી વાહનો પર પ્રતિબંધ, સ્ટ્રીટલાઇટ્સ ઘટાડવી અને દુકાનો તથા કાફે વહેલા બંધ કરવા જેવા આદેશોનો સમાવેશ થાય છે.

યુક્રેને કરેલા હુમલાઓએ રશિયાની સપ્લાય ચેઇન તોડી નાખી

આ હુમલાઓએ રશિયાની સપ્લાય ચેઇનને તોડી નાખી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ સંકટમાંથી બહાર આવવા માટે રશિયા હવે જૂન મહિનામાં સમુદ્ર માર્ગે તેલની આયાત કરવા માટે મજબૂર બન્યું છે. યુક્રેનનો આ વ્યૂહાત્મક હુમલો રશિયા માટે એક મોટો ફટકો સાબિત થઈ રહ્યો છે. તેલ ઉત્પાદક દેશ હોવા છતાં પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે આયાત પર નિર્ભર રહેવું પડે તે રશિયા માટે રાજદ્વારી અને આર્થિક રીતે મોટી મુશ્કેલી છે. આગામી સમયમાં જો આ હુમલાઓ ચાલુ રહેશે, તો રશિયાના સામાન્ય જનજીવન અને અર્થતંત્ર પર તેની વધુ ગંભીર અસરો જોવા મળી શકે છે.

આ પણ વાંચોઃ Nepal : પર્યટકોથી ઉભરાયું પોખરા,ઑફ-સીઝનમાં પણ પર્યટન ઉદ્યોગમાં તેજી


  • Follow us on: