સામાન્ય રીતે વર્ષના જે સમયગાળાને 'ઑફ-સીઝન' ગણવામાં આવે છે, તે સમયમાં પણ નેપાળનું જાણીતું પર્યટન શહેર 'પોખરા' અત્યારે ભારતીય પ્રવાસીઓના આગમનથી ધમધમી રહ્યું છે. આ પરિવર્તન એટલું નોંધપાત્ર છે કે શહેરની શેરીઓ, તળાવો અને હોટલો પ્રવાસીઓથી છલકાઈ રહી છે. છેલ્લા દોઢ મહિનામાં જ લગભગ 1,50,000 ભારતીય પ્રવાસીઓએ પોખરાની મુલાકાત લઈને ત્યાંના પ્રવાસન અર્થતંત્રમાં નવી પ્રાણ ફૂંક્યા છે.
પ્રવાસન ઉદ્યોગમાં આવી તેજી
પોખરાના પ્રવાસન ઉદ્યોગમાં આવેલી આ તેજીના મુખ્ય કેન્દ્રમાં ફેવા તળાવ અને ત્યાંનું પ્રખ્યાત તાલાબારાહી મંદિર છે. ભારતીય પ્રવાસીઓનો ધાર્મિક અને સાહસિક બંને પ્રકારની પ્રવૃત્તિઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફેવા બોટ એન્ટરપ્રેન્યોર્સ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, અત્યારે દરરોજ 4000 થી 5000 ભારતીય પ્રવાસીઓ બોટિંગનો આનંદ માણી રહ્યા છે. માત્ર બારહી ઘાટ પરથી જ દરરોજ 140જેટલી બોટો સતત કાર્યરત રહે છે, જે દર્શાવે છે કે બોટમેનો જેમને એક સમયે કામ માટે રાહ જોવી પડતી હતી, તેઓ હવે સતત વ્યસ્ત છે.
નેપાળના પવિત્ર ધાર્મિક સ્થળોનું મોટું આકર્ષણ
આ પ્રવાસીઓ માત્ર તળાવ કિનારે જ સીમિત નથી, પરંતુ તેઓ ટ્રેકિંગ, પેરાગ્લાઈડિંગ, બંજી જમ્પિંગ અને રાફ્ટિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓનો પણ ભરપૂર આનંદ માણી રહ્યા છે. ટ્રૅકિંગ એજન્સીઝ એસોસિએશન ઓફ નેપાળ (TAN) ના જણાવ્યા મુજબ, ભારતીય પ્રવાસીઓની આ ભીડને કારણે પોખરામાં હોટેલ ઓક્યુપન્સી રેટ 90 ટકા સુધી પહોંચી ગયો છે. એટલે કે, ફાઇવ-સ્ટાર હોટલ હોય કે નાનું ગેસ્ટહાઉસ, લગભગ દરેક રૂમ અત્યારે બુક થયેલો જોવા મળે છે. ભારતીય પ્રવાસીઓની આ ખાસ પસંદગી પાછળ નેપાળના પવિત્ર ધાર્મિક સ્થળોનું મોટું આકર્ષણ છે. તાલાબારાહી મંદિર ઉપરાંત, મુક્તિનાથ, મનકામના, બિંધ્યબાસિની અને કેદારેશ્વર જેવા મંદિરોમાં મોટી સંખ્યામાં ભારતીય શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.
ઉદ્યોગને આર્થિક ટેકો જ નહીં પણ મળી નવી ઉર્જા
ભારતીય પ્રવાસીઓની આ અવિરત હાજરીએ પોખરાના પર્યટન ઉદ્યોગને માત્ર આર્થિક ટેકો જ નથી આપ્યો, પરંતુ શહેરને એક નવી ઉર્જા પણ આપી છે. જે સમયગાળામાં શાંતિ રહેતી હતી, ત્યાં આજે મુસાફરોનો કલરવ જોવા મળી રહ્યો છે. ભારતીય પ્રવાસીઓનો આ ધસારો નેપાળ માટે પર્યટન ક્ષેત્રે એક મોટી સફળતા સાબિત થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Germany: જર્મનીમાં અડધી રાત્રે દેશની દરેક ટ્રેનોના પૈડાં થંભી ગયા! જાણો કેમ?