જર્મનીમાં એક એવી ઘટના બની કે લોકોને વિચારતા કરી દીધા છે. દેશમાં અચાનક અઢી કલાક સુધી સન્નાટો છવાઇ ગયો.ટેકનિકલ ખામીને કારણે આખું રેલતંત્ર થંભી ગયુ. આ ઘટનાને કારણે હજારો મુસાફરો સ્ટેશનો પર ફસાઈ ગયા હતા અને રેલવે સ્ટેશનો પર ભારે અંધાધૂંધી જોવા મળી હતી. શરૂઆતમાં સ્થિતિ એટલી ગંભીર જણાતી હતી કે જાણે યુરોપના સૌથી મોટા અર્થતંત્રનું જીવનરક્ષક ગણાતું રેલવે નેટવર્ક કાયમ માટે ઠપ્પ થઈ ગયું હોય!
વિક્ષેપનું કારણ કોઈ હડતાળ કે અકસ્માત નહીં
આ અચાનક આવેલા વિક્ષેપનું કારણ કોઈ હડતાળ કે અકસ્માત નહોતો, પરંતુ રેલ્વેની આંતરિક સંદેશાવ્યવહાર પ્રણાલીમાં સર્જાયેલી ટેકનિકલ ખામી હતી. ડોઇશ બાહન (Deutsche Bahn), જે જર્મનીની મુખ્ય રેલ્વે કંપની છે, તેણે ખુલાસો કર્યો કે દેશભરમાં વપરાતી GSM-R સિસ્ટમમાં ગંભીર સમસ્યા ઉભી થઈ હતી. આ સિસ્ટમ રેલ્વે નેટવર્કમાં ટ્રેનોના સંચાલન અને આંતરિક સંદેશાવ્યવહાર માટે કરોડરજ્જુ સમાન છે. તેના વગર ટ્રેનોને એકબીજાના લોકેશનની જાણકારી મળવી અશક્ય છે, અને જો ટ્રેનો આ સ્થિતિમાં દોડતી રહે, તો અથડામણ થવાનું મોટું જોખમ રહેલું છે.
રાત્રિનો સમય હોવાથી મુસાફરોની મુશ્કેલીઓ વધી
સમસ્યાની ગંભીરતાને જોતા, સુરક્ષાના કારણોસર તમામ ટ્રેનોને જ્યાં હતી ત્યાં જ રોકી દેવામાં આવી હતી. રાત્રિનો સમય હોવાથી મુસાફરોની મુશ્કેલીઓ અનેકગણી વધી ગઈ હતી. પૂછપરછ કાઉન્ટર્સ પર મુસાફરોની લાંબી કતારો લાગી ગઈ હતી. જોકે, ડોઇશ બાહને તુરંત જ રાહત કાર્યો શરૂ કર્યા હતા. કંપનીએ મુસાફરોને ટેક્સી અને હોટેલ વાઉચર્સની સુવિધાઓ પૂરી પાડી હતી. એટલું જ નહીં, જે મુસાફરો સ્ટેશનો પર અટવાયા હતા, તેમના માટે પાર્ક કરેલી ટ્રેનોને જ રહેઠાણ તરીકે ખુલ્લી મૂકવામાં આવી હતી.
અઢી કલાકની જહેમત બાદ ટ્રેન ફરી શરૂ કરાઇ
અઢી કલાકની જહેમત બાદ, આ ટેકનિકલ ખામી દૂર કરવામાં આવી અને સવારે ૧ વાગ્યાની આસપાસ ટ્રેન સેવાઓ ધીમે ધીમે પૂર્વવત કરવામાં આવી હતી. જોકે, આ ઘટનાએ જર્મનીની રેલવે સિસ્ટમની વર્તમાન સ્થિતિ પર પણ સવાલો ઉભા કર્યા છે. એએફપી (AFP) ના અહેવાલ મુજબ, દાયકાઓ સુધી પૂરતું રોકાણ ન થવાને કારણે જર્મનીનું રેલ નેટવર્ક ઘણું જૂનું થઈ ગયું છે, જેને કારણે વારંવાર વિલંબ અને આવી ટેકનિકલ મુશ્કેલીઓ સર્જાય છે. હાલમાં જર્મન સરકાર આ જૂના નેટવર્કને આધુનિક બનાવવા માટે મોટા પાયે રોકાણ કરી રહી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
આ પણ વાંચોઃ Technologyની દુનિયામાં ચીનનો મોટો ધડાકો, અમેરિકાને પછાડી 'લિનશાઇન' બન્યું વિશ્વનું નંબર-1 સુપર કોમ્પ્યુટર