વિશ્વના સૌથી ઝડપી અને સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટરની રેસમાં એક મોટો વળાંક આવ્યો છે. ચીને લગભગ એક દાયકાથી આ ક્ષેત્રે ટોચનું સ્થાન જાળવી રાખનાર અમેરિકાને આખરે પાછળ છોડી દીધું છે.
અતિશક્તિશાળી સુપર કોમ્પ્યુટરનું નામ 'લિનશાઇન'
સૌથી મોટી વાત એ છે કે ચીને આ સિદ્ધિ વિદેશી ટેકનોલોજીની મદદ વગર, સંપૂર્ણપણે પોતાની સ્થાનિક ટેકનોલોજીના આધારે મેળવી છે. આ બાબત દર્શાવે છે કે બેઇજિંગ અદ્યતન કમ્પ્યુટિંગ ક્ષમતાઓ વિકસાવવામાં કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે. આ નવા અતિશક્તિશાળી સુપર કોમ્પ્યુટરનું નામ 'લિનશાઇન' છે. જર્મનીના હેમ્બર્ગમાં આયોજિત મુખ્ય કમ્પ્યુટિંગ કોન્ફરન્સ ISC દરમિયાન જાહેર કરાયેલા પ્રખ્યાત TOP500 રેન્કિંગમાં લિનશાઇનને વિશ્વનું નંબર-1 સુપર કોમ્પ્યુટર જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૭ પછી આ પહેલી વાર બન્યું છે કે જ્યારે કોઈ ચીની સુપર કોમ્પ્યુટર આ યાદીમાં સૌથી મોખરે પહોંચ્યું હોય.
અત્યાર સુધીના નંબર વન સુપર કોમ્પ્યુટર 'એલ કેપિટન'ને પાછળ છોડ્યું
દક્ષિણ ચીનના શેનઝેનમાં સ્થિત લિનશાઇને અમેરિકાના અત્યાર સુધીના નંબર વન સુપર કોમ્પ્યુટર 'એલ કેપિટન'ને પાછળ ધકેલી દીધું છે. આ સુપર કોમ્પ્યુટરની સતત ગતિ (સસ્ટેઇન્ડ સ્પીડ) ૨.૨ એક્સાફ્લોપ્સ નોંધાઈ છે, જે કમ્પ્યુટરની એક સેકન્ડમાં ગણતરી કરવાની અદભુત ક્ષમતા દર્શાવે છે.
લિનશાઇનની સૌથી મોટી વિશેષતા
લિનશાઇનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ચીનમાં ડિઝાઇન કરાયેલા પ્રોસેસરોથી બનેલું છે. તેમાં અમેરિકન ચિપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે સામાન્ય રીતે વિશ્વના મોટાભાગના ટોચના સુપર કોમ્પ્યુટરને પાવર આપે છે. જોકે, આ સ્પર્ધામાં અમેરિકા બહુ પાછળ નથી. યુનાઇટેડ સ્ટેટ્સ હજુ પણ યાદીના ટોચના ચારમાંથી ત્રણ સ્થાનો પર કબજો જમાવીને બેઠું છે. કેલિફોર્નિયાની લોરેન્સ લિવરમોર નેશનલ લેબોરેટરીમાં સ્થિત 'એલ કેપિટન' સુપર કોમ્પ્યુટર આ યાદીમાં બીજા ક્રમે છે.
યુરોપ પાંચમા સ્થાને રહ્યુ
આ ઉપરાંત, યુરોપિયન સ્તરે વાત કરીએ તો, જર્મનીનું 'જ્યુપિટર બૂસ્ટર' આ યાદીમાં પાંચમું સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે. ટેક્નોલોજીના આ નવા બદલાવને કારણે ભવિષ્યમાં વૈશ્વિક સ્તરે સંશોધન અને ડેટા પ્રોસેસિંગની ગતિમાં ભારે વેગ આવશે તે નક્કી છે.
આ પણ વાંચોઃ Hormuzમાં એક જહાજ પર કેટલો લાગશે ટોલ? ભાવ નક્કી કરવા માટે ઓમાન-ઈરાન વચ્ચે બેઠક