વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંના એક સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર ભવિષ્યમાં નવો ચાર્જ અથવા ટોલ લાગુ થઈ શકે છે. આ મુદ્દે ઓમાન અને ઈરાને ચર્ચા શરૂ કરી છે. બંને દેશોએ આ વ્યૂહાત્મક જળમાર્ગમાં નેવિગેશન, દરિયાઈ સેવાઓ અને તેની સાથે જોડાયેલા ખર્ચને લઈને આગળની કાર્યવાહી માટે સંયુક્ત કાર્યસમૂહ બનાવવાની જાહેરાત કરી છે.
તટીય દેશો અને સંબંધિત પક્ષો સાથે પણ ચર્ચા
મસ્કતમાં યોજાયેલી બેઠક બાદ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં જહાજોની અવરજવરનું સંચાલન, દરિયાઈ સેવાઓની વ્યવસ્થા અને સંભવિત ટોલ સિસ્ટમ અંગે ચર્ચા ચાલુ રહેશે. આ કાર્યસમૂહમાં બંને દેશોના વિદેશ મંત્રાલયોના પ્રતિનિધિઓ સામેલ રહેશે. સાથે જ ખાડી ક્ષેત્રના અન્ય તટીય દેશો અને સંબંધિત પક્ષો સાથે પણ ચર્ચા કરવામાં આવશે.
પ્રાદેશિક સહકાર મજબૂત કરવા પર ભાર
આ નિર્ણય ઈરાનના સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાકેર કાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીની ઓમાન મુલાકાત બાદ લેવામાં આવ્યો છે. બંને નેતાઓએ ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક તેમજ વિદેશ મંત્રી સૈયદ બદ્ર અલ બુસૈદી સાથે બેઠક કરી હતી. ચર્ચા દરમિયાન સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં દરિયાઈ પ્રવૃત્તિઓનું સંચાલન અને પ્રાદેશિક સહકાર મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
નીતિગત ફેરફારની અસર
ઓમાન અને ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ જળમાર્ગને આંતરરાષ્ટ્રીય નેવિગેશન માટે સુરક્ષિત અને ખુલ્લો રાખવા પ્રતિબદ્ધ છે. બંને દેશોએ સમુદ્રી સુરક્ષા, નેવિગેશનની સ્વતંત્રતા અને પ્રાદેશિક સ્થિરતાના મહત્વ પર ભાર મૂક્યો છે. સ્ટ્રેટ ઑફ હોર્મુઝ વૈશ્વિક તેલ સપ્લાય માટે અત્યંત મહત્વનો માર્ગ છે. અહીં થનારા કોઈપણ નીતિગત ફેરફારની અસર આંતરરાષ્ટ્રીય ઊર્જા બજાર, તેલના ભાવ અને વૈશ્વિક શિપિંગ ઉદ્યોગ પર પડી શકે છે. તેથી ઓમાન અને ઈરાન વચ્ચેની આ ચર્ચા પર વિશ્વભરના વેપાર અને ઊર્જા ક્ષેત્રની નજર છે.
આ પણ વાંચો : PM નેતન્યાહૂનું મોટું નિવેદન, કહ્યું 'અમેરિકા ના વિશ્વાસ પર ના ઈઝરાયેલ, જાતે બનાવવા પડશે હથિયાર'