ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દેશને સૈન્ય ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે ઈઝરાયલે હવે પોતાના હથિયારોનું ઉત્પાદન વધારવું જોઈએ અને વિદેશી સપ્લાયરો પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયલ ઈરાન અને તેના સમર્થક સંગઠનો સામે સતત સંઘર્ષનો સામનો કરી રહ્યું છે.
ઈઝરાયલે પોતાની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાને વધુ મજબૂત બનાવવી પડશે: PM
વેસ્ટ બેન્કના ગશ એટઝિઓન વિસ્તારમાં રિઝર્વ કોમ્બેટ ફોર્સના અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન નેતન્યાહૂએ કહ્યું કે તેઓ અમેરિકા તરફથી વર્ષો સુધી મળેલા સહયોગ અને સૈન્ય સહાયની પ્રશંસા કરે છે, પરંતુ હવે ઈઝરાયલે પોતાની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાને વધુ મજબૂત બનાવવી પડશે. તેમણે કહ્યું કે દેશે પોતાના હથિયારોનું ઉત્પાદન સ્વયં કરવું જોઈએ.
સૈન્ય નેતૃત્વની નવી પેઢી તૈયાર કરવી જરૂરી
નેતન્યાહૂએ વધુમાં જણાવ્યું કે આગામી દાયકાઓમાં ઈઝરાયલની સ્થિતિ તેની સૈન્ય શક્તિ અને તેને જાળવી રાખવાની ક્ષમતા પર આધારિત રહેશે. તેમણે કહ્યું કે ઈઝરાયલ હાલમાં ઈરાન અને તેના સહયોગી સંગઠનોનો સામનો કરી રહ્યું છે અને તેમને કડક જવાબ પણ આપવામાં આવ્યો છે. જોકે, આ સંઘર્ષ હજુ પૂર્ણ થયો નથી. વડાપ્રધાને જણાવ્યું કે દેશે વ્યૂહાત્મક નિર્ભરતા ઘટાડવી, નવી ટેકનોલોજી અપનાવવી અને સૈન્ય નેતૃત્વની નવી પેઢી તૈયાર કરવી જરૂરી છે. તેમના મતે, લાંબા ગાળે દેશની સુરક્ષા અને પ્રભાવશાળી સ્થિતિ માટે આ પગલાં અત્યંત મહત્વપૂર્ણ રહેશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી રાજદ્વારી ચર્ચાઓની વચ્ચે આ નિવેદન સામે આવ્યું
નેતન્યાહૂ લાંબા સમયથી અમેરિકાની સૈન્ય સહાય પરની નિર્ભરતા ધીમે ધીમે ઘટાડવાના સમર્થક રહ્યા છે. તેમનું આ નિવેદન અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી રાજદ્વારી ચર્ચાઓની વચ્ચે આવ્યું છે. ઈઝરાયલને આશંકા છે કે ભવિષ્યમાં અમેરિકાની નીતિઓ તેના સૈન્ય નિર્ણયો અને પ્રાદેશિક વ્યૂહરચનાને અસર કરી શકે છે. તાજેતરમાં અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે પણ જણાવ્યું હતું કે ઈઝરાયલની સુરક્ષા માટે વપરાયેલા મોટા ભાગના હથિયારો અમેરિકા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ નિવેદનો વચ્ચે નેતન્યાહૂએ આત્મનિર્ભર સંરક્ષણ વ્યવસ્થાની જરૂરિયાત પર ફરી ભાર મૂક્યો છે.
આ પણ વાંચો : Strait Of Hormuz બંને તરફથી ખૂલ્યો, 11 ભારતીય જહાજો હેમખેમ પસાર થયા, હજુ 10 જહાજ રાહ જોઈ રહ્યા છે