મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભારે સુરક્ષા તણાવ વચ્ચે ભારત માટે ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા દરિયાઈ માર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) માં બંને તરફથી વાહનવ્યવહાર ફરી શરૂ થઈ ગયો છે. વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જાયસ્વાલે પુષ્ટિ કરી છે કે 17 જૂનથી અત્યાર સુધીમાં ભારત આવી રહેલા 11 જહાજો આ રૂટને સફળતાપૂર્વક પાર કરી ચૂક્યા છે. જો કે, આ વિસ્તારમાં હજી પણ સંપૂર્ણ સ્થિરતા ન હોવાને કારણે ભારતના અન્ય 10 જહાજો સુરક્ષિત સમયની રાહ જોઈ રહ્યા છે.


ભારતની ઊર્જા અને અન્ન સુરક્ષા અકબંધ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ વિશ્વનો એવો સાંકડો દરિયાઈ માર્ગ છે જ્યાંથી દુનિયાનું આશરે 20 થી 25 ટકા ક્રૂડ ઓઈલ અને મોટા પ્રમાણમાં નેચરલ ગેસ પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, યુએઈ અને કતાર જેવા દેશોનો તેલ વેપાર આ જ રૂટ પર નિર્ભર છે. ભારત પણ પોતાની જરૂરિયાતનું 80 થી 85 ટકા ઓઈલ અહીંથી જ આયાત કરે છે. તાજેતરના તણાવ છતાં ભારતનો એનર્જી સપ્લાય પ્રભાવિત થયો નથી, જે સરકારની મજબૂત કૂટનીતિ દર્શાવે છે.

લાખો ટન કાચું તેલ ભારત પહોંચશે

આ માર્ગમાંથી પસાર થયેલા 11 જહાજોમાં ભારતીય ધ્વજ ધરાવતા ત્રણ વિશાળ ક્રૂડ ઓઈલ ટેન્કર્સ - 'દેશ વૈભવ', 'દેશ વિભોર' અને 'સનમાર હેરાલ્ડ' નો સમાવેશ થાય છે. આ ત્રણ ટેન્કરોમાં કુલ 8,60,000 મેટ્રિક ટનથી વધુ કાચું તેલ લદાયેલું છે અને તેના પર 94 ભારતીય નાવિકો સવાર છે. 'દેશ વૈભવ' ગુજરાતના વાડીનાર અને 'દેશ વિભોર' સિક્કા બંદરે પહોંચવાનું છે, જ્યારે 'સનમાર હેરાલ્ડ' 1 જુલાઈ સુધીમાં ઓડિશાના પારાદીપ બંદરે પહોંચશે. આ ઉપરાંત અન્ય વિદેશી જહાજો એલપીજી અને અનાજ લઈને ભારત આવી રહ્યા છે.

ખેડૂતો માટે ખાતરની આયાત પણ સુરક્ષિત

ચોમાસાની ખરીફ સીઝન શરૂ થઈ રહી હોવાથી ખેડૂતો માટે ખાતરનો પુરવઠો સમયસર મળવો અનિવાર્ય છે. રસાયણ અને ખાતર મંત્રાલયના જણાવ્યા મુજબ, યુરિયા, ડીએપી (DAP) અને સલ્ફર લઈને ચાર જહાજો હોર્મુઝ પાર કરી ચૂક્યા છે. આ જહાજો આંધ્રપ્રદેશના ક્રિષ્નાપટ્ટનમ, કાકીનાડા તેમજ ગુજરાતના મુંદ્રા અને ઓડિશાના પારાદીપ પોર્ટ પર પહોંચી રહ્યા છે. સરકાર ભારતીય શિપિંગ કંપનીઓ અને નૌસેના સાથે સતત સંપર્કમાં રહીને સ્થિતિ પર નજર રાખી રહી છે.

આ પણ વાંચો:National Debt: કોઈ દેશ કર્જ ન ચૂકવી શકે તો બીજો દેશ તેના પર કબજો કરી શકે? જાણો આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમો

  • Follow us on: