અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક ડીલ થયા બાદ હવે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) ને ફરીથી ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. યુદ્ધ અથવા તણાવ પહેલા ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 46 ટકા કાચું તેલ (ક્રૂડ ઓઇલ) આ જ માર્ગેથી મંગાવતું હતું. આ સિવાય ભારત જે એલએનજી (કુદરતી ગેસ) આયાત કરે છે તેનો મોટો હિસ્સો કતારથી આવે છે, અને કતાર પણ હોર્મુઝના માર્ગે જ ગેસ સપ્લાય કરે છે. હવે સવાલ એ છે કે આ માર્ગ ખૂલ્યા પછી ભારત સુધી પુરવઠો ક્યારે સામાન્ય થશે?
સપ્લાય ક્યારે સામાન્ય થશે?
કરાર પર હસ્તાક્ષર થયા બાદ સૌથી પહેલા અમેરિકા તેની નાકાબંધી હટાવશે અને ત્યારબાદ ઈરાન સમુદ્રમાં બિછાવેલી બારુદી સુરોંગો (માઈન્સ) સાફ કરશે. સપ્લાય ક્યારે સામાન્ય થશે તેને લઈને ૩ રિપોર્ટ સામે આવ્યા છે:
૧. બ્લૂમબર્ગનો રિપોર્ટ (60 દિવસ):
બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, કતારે રાસ લાફાનથી ગેસ નિકાસ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કતાર આગામી 60 દિવસમાં ગેસ સપ્લાયની સ્થિતિ સામાન્ય કરવા માટે પ્રયત્નશીલ છે, એટલે કે બે મહિના પછી કતાર યુદ્ધ પહેલાની સ્થિતિમાં ગેસ સપ્લાય કરી શકશે.
૨. પેન્ટાગોનનો રિપોર્ટ (180 દિવસ):
પેન્ટાગોને વ્હાઇટ હાઉસને આપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે હોર્મુઝના તળિયે મોટા પાયે બારુદ બિછાવેલો છે. આ દરિયાઈ માર્ગને સંપૂર્ણપણે સાફ અને સુરક્ષિત કરવામાં આશરે ૬ મહિના એટલે કે 180 દિવસનો સમય લાગી શકે છે.
૩. નિષ્ણાતોનો રિપોર્ટ (30 દિવસ):
સ્થાનિક જાણકારોના મતે રસ્તો આંશિક રીતે સાફ થવામાં ઓછામાં ઓછા 30 દિવસ લાગશે. હાલમાં નાના તેલ ટેન્કરો ત્યાંથી નીકળી રહ્યા છે. ભારતનું 'દિશા' ટેન્કર પણ ઓમાન પાસે છે જે હોર્મુઝમાંથી પસાર થવાની તૈયારીમાં છે. એટલે કે સપ્લાયની પ્રક્રિયા ધીમે-ધીમે શરૂ થઈ ચૂકી છે.
ભારત માટે ઈરાનથી સીધું તેલ ખરીદવાનો રસ્તો ખૂલ્યો
અમેરિકા સાથેની ડીલ બાદ ઈરાન પરથી આર્થિક પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. ઈરાન પાસે હાલમાં લગભગ 100 કરોડ બેરલ તેલનો સ્ટોક ઉપલબ્ધ છે, જેને તે બજારમાં લાવવા તૈયાર છે. અત્યાર સુધી પ્રતિબંધોના કારણે ભારત સીધું ઈરાન પાસેથી તેલ ખરીદી શકતું ન હતું, પરંતુ હવે આ રસ્તો સાફ થઈ ગયો છે. ઈરાન પોતાના જૂના તેલ ટેન્કરો દ્વારા પણ ભારતને ઝડપથી સપ્લાય વધારી શકે છે, જેથી ભારતે હોર્મુઝ સંપૂર્ણપણે ખૂલે તેની રાહ જોવી જરૂરી નહીં રહે.
આ પણ વાંચો:Crude Oil:ક્રૂડ ઓઇલ સસ્તું થવા છતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ ઘટતા નથી? સરકારે કહી મોટી વાત