અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ૧૪-મુદ્દાના શાંતિ સમજૂતી પત્ર (MOU) એ વૈશ્વિક સ્તરે ઉત્સુકતા જગાવી છે, ખાસ કરીને તેના આ મુદ્દાએ ચર્ચા જગાવી છે જે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માંથી થતા જહાજોના અવરજવર અને ટોલ ટેક્સ સાથે જોડાયેલો છે. આ દરિયાઈ માર્ગ વિશ્વના કુલ ક્રૂડ ઓઈલ પુરવઠાના 20% હિસ્સા માટે જવાબદાર છે, તેથી જ તેની સ્થિતિ વૈશ્વિક અર્થતંત્ર માટે અત્યંત મહત્વની છે.
60 દિવસ સુધી ફ્રી પછી ટોલટેક્સ?
સમજૂતીના MOU પર હસ્તાક્ષર થયા પછી ઈરાન ૬૦ દિવસ સુધી વાણિજ્યિક જહાજોના મુક્ત અને સુરક્ષિત પરિવહનને સુનિશ્ચિત કરશે. આ દરમિયાન જહાજો પર કોઈપણ પ્રકારનો ટોલ વસૂલવામાં આવશે નહીં. જોકે, ઈરાને પણ સ્પષ્ટ કર્યું છે કે 30 દિવસની અંદર તે રસ્તામાં રહેલા ટેકનિકલ અવરોધો અને દરિયાઈ માઇન્સ (લેન્ડમાઈન્સ) ને દૂર કરવાનું કામ કરશે, જેથી ટ્રાફિક પૂર્વવત થઈ શકે.
ભવિષ્યની અનિશ્ચિતતા અને સંચાલન
સૌથી મહત્વનો વળાંક 60 દિવસની આ સમયસીમા પૂર્ણ થયા પછી આવે છે. કરાર મુજબ, ઈરાન ઓમાનની સલ્તનત અને પર્સિયન ગલ્ફની સરહદે આવેલા અન્ય દેશો સાથે મળીને હોર્મુઝ સ્ટ્રેટના ભવિષ્યના સંચાલન અને દરિયાઈ સેવાઓ અંગે વાટાઘાટો કરશે. આ પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય કાયદા અને દરિયાકાંઠાના દેશોના સાર્વભૌમ અધિકારોને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
શું ટોલ ટેક્સ લાગવાની શક્યતા છે?
નિષ્ણાતોના મતે, જ્યાં સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે ૬૦ દિવસમાં અંતિમ કરાર ન થાય ત્યાં સુધી કોઈ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે નહીં. જોકે, ૬૦ દિવસ પછીની સ્થિતિ થોડી જટિલ છે. ઓમાન અને ઈરાન મળીને એવી કોઈ નવી સંયુક્ત વ્યવસ્થાપન સિસ્ટમ વિકસાવી શકે છે, જેના દ્વારા સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ટોલ ટેક્સ લાદવાની વિચારણા કરવામાં આવે. આ માત્ર એક આર્થિક નિર્ણય નહીં, પરંતુ પ્રાદેશિક સુરક્ષા અને સત્તાના સમીકરણોનો ભાગ પણ હશે.
આ પણ વાંચોઃ Iran-US Peace Deal: યુદ્ધનો અંત!ઇરાન અમેરિકાએ સમજૂતી પત્ર પર કર્યા હસ્તાક્ષર,આ 14 મુદ્દાઓ પર થઇ ડીલ