અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને પૂર્ણવિરામ આપવા માટે આખરે શાંતિ પ્રસ્તાવ પર સહમતી સધાઈ ગઈ છે. ઘણા દિવસો સુધી આ દસ્તાવેજોને ગુપ્ત રાખ્યા બાદ, બુધવારે વરિષ્ઠ અમેરિકન અધિકારીઓએ પત્રકારો સમક્ષ આ સમજૂતી પત્ર (MOU) ની વિગતો જાહેર કરી હતી. આગામી શુક્રવારે થનારા ઔપચારિક હસ્તાક્ષર સમારોહ પહેલાં, આ માહિતીને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, ઈરાનના સરકારી ટીવી દ્વારા પણ આ જ પ્રકારના દસ્તાવેજો પ્રકાશિત કરવામાં આવ્યા છે, જે બંને દેશો વચ્ચેની સમાન સમજૂતીને સ્પષ્ટ કરે છે.
આ 14 મુદ્દાઓ પર સધાઇ સમજૂતી
૧. યુદ્ધનો કાયમી અંત: લેબનોન સહિત તમામ મોરચે લશ્કરી કાર્યવાહીનો તાત્કાલિક અને કાયમી અંત.
૨. બળનો ઉપયોગ નહીં: કોઈ પણ દેશ એકબીજા વિરુદ્ધ યુદ્ધ કે લશ્કરી ધમકીનો ઉપયોગ કરશે નહીં.
૩. સાર્વભૌમત્વનો આદર: બંને દેશો એકબીજાના આંતરિક મામલામાં દખલગીરી નહીં કરે.
૪. વાટાઘાટો માટે સમયસીમા: મહત્તમ ૬૦ દિવસમાં અંતિમ કરાર સુધી પહોંચવાની કટિબદ્ધતા.
૫. નૌકાદળ નાકાબંધી હટાવવી: અમેરિકા ૩૦ દિવસમાં ઈરાન વિરુદ્ધની નૌકાદળ નાકાબંધી સંપૂર્ણપણે દૂર કરશે.
૬. સૈનિકોની વાપસી: અંતિમ કરારના ૩૦ દિવસમાં અમેરિકા ઈરાનની આસપાસથી પોતાના દળો પાછા ખેંચશે.
૭. જહાજોની સુરક્ષિત અવરજવર: ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં ૬૦ દિવસ માટે વ્યવસાયિક જહાજોને સુરક્ષિત માર્ગ આપશે.
૮. દરિયાઈ શાસન: ઓમાન સાથે મળીને ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ સેવાઓ અને ભાવિ નિયમો નક્કી કરશે.
૯. આર્થિક પુનર્નિર્માણ: ઈરાનના વિકાસ માટે ૩૦૦ અબજ ડોલરની યોજના વિકસાવવામાં આવશે.
૧૦. પ્રતિબંધોમાં રાહત: અંતિમ કરાર હેઠળ ઈરાન સામેના તમામ યુએસ અને યુએન પ્રતિબંધો હટાવવામાં આવશે.
૧૧. પરમાણુ શસ્ત્રોનો ત્યાગ: ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવશે નહીં અને IAEA ની દેખરેખ હેઠળ સામગ્રીનો નિકાલ કરશે.
૧૨. યથાવત્ સ્થિતિ (Status Quo): કરાર પૂર્ણ ન થાય ત્યાં સુધી બંને પક્ષો નવી સૈન્ય તૈનાતી કે નવા પ્રતિબંધો ટાળશે.
૧૩. નિકાસમાં છૂટછાટ: પ્રતિબંધો સંપૂર્ણ ન હટે ત્યાં સુધી ઈરાની તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ માટે ખાસ છૂટ અપાશે.
૧૪. દેખરેખ તંત્ર: કરારના સફળ અમલીકરણ માટે એક સંયુક્ત એક્ઝિક્યુટિવ મિકેનિઝમ સ્થાપવામાં આવશે.
આ પણ વાંચોઃ Weather Updates: દિલ્હીથી લઇને રાજસ્થાન સુધી આગામી 5 દિવસ વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી