ચોમાસાની સત્તાવાર શરૂઆતમાં ભલે વિલંબ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યુ છે પરંતુ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અને કમોસમી વરસાદને કારણે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાનો નવો રાઉન્ડ શરૂ થવાની પ્રબળ સંભાવના છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ચંદીગઢના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ પૂર્વ-ચોમાસાના હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.યુપી અને દિલ્હીથી લઈને રાજસ્થાન સુધી આગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે. 


દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં હવામાનની સ્થિતિ

દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં મોડું પહોંચી શકે છે, પરંતુ વારંવાર થઈ રહેલા કમોસમી વરસાદના કારણે હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ, ૧૮ થી ૨૨ જૂન દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં વરસાદ માટે સત્તાવાર ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હીમાં ૧૮ થી ૨૦ જૂન સુધી સતત વરસાદ પડવાની શક્યતા છે, જ્યાં આકાશ સંપૂર્ણપણે વાદળછાયું રહેશે અને બપોર કે રાત્રિના સમયે તેજ પવન સાથે ગાજવીજ થવાની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૧૭-૧૯ જૂન અને ૨૩ જૂને, જ્યારે પૂર્વ ઉત્તર પ્રદેશમાં ૧૭-૧૯ અને ૨૨-૨૩ જૂને વરસાદની સંભાવના છે.

રાજસ્થાનમાં 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે

રાજસ્થાન રાજ્ય માટે પણ હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. પૂર્વી અને પશ્ચિમી રાજસ્થાનમાં ૨૦ થી ૨૩ જૂન સુધી ભારે વાવાઝોડા, વીજળીના કડાકા અને પ્રચંડ પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે. રાજસ્થાનમાં 80 કિમી પ્રતિ કલાકની અત્યંત ઝડપે પવન ફૂંકાઈ શકે છે, અને 19 જૂનના રોજ પશ્ચિમી રાજસ્થાનમાં અત્યંત ભારે વાવાઝોડું ત્રાટકવાની આશંકા છે.

પહાડી અને મધ્ય ભારતના રાજ્યોનો હાલ

પહાડી રાજ્યોની પરિસ્થિતિ પણ વરસાદી રહેશે. ઉત્તરાખંડમાં સતત વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં ૧૭ થી ૨૩ જૂન સુધી વરસાદી માહોલ રહેશે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ અને બાલ્ટિસ્તાનના વિસ્તારોમાં માત્ર ભારે વરસાદ જ નહીં, પરંતુ કેટલાક ભાગોમાં કરા પડવાની પણ ગંભીર ચેતવણી જારી કરાઈ છે. મધ્યપ્રદેશના પશ્ચિમી ભાગોમાં ૧૭-૧૯ જૂન અને પૂર્વી ભાગોમાં ૧૭-૧૯ તેમજ ૨૨-૨૩ જૂને વરસાદ પડી શકે છે. છત્તીસગઢ અને વિદર્ભમાં પણ ૧૭ થી ૨૩ જૂન સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી છે.

ચોમાસાની વર્તમાન સ્થિતિ

ચોમાસાના અપડેટ પર નજર કરીએ તો, દક્ષિણપશ્ચિમ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તે તેલંગાણા, ઓડિશા, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ કરી ચૂક્યું છે. પૂર્વોત્તર ભારત, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી છે. હાલમાં ચોમાસું સોલાપુર, હૈદરાબાદ, ભદ્રચલમ, કોરાપુટ, રાંચી, જમુઇ અને મુઝફ્ફરપુર તરફ પોતાની સફર આગળ ધપાવી રહ્યું છે. 

આ પણ વાંચોઃ Mumbai-Pune વચ્ચે દોડશે બુલેટ ટ્રેન, 48 મિનિટમાં મુસાફરી થશે પૂર્ણ

  • Follow us on: