ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સને લઈને ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે આગામી વર્ષથી મુંબઈ–પુણે બુલેટ ટ્રેન કોરિડોર પર કામ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુંબઈ અને પુણે વચ્ચેનો 170 કિમીનો પ્રવાસ માત્ર 48 મિનિટમાં પૂર્ણ થઈ શકશે.


મુંબઈ–પુણે કોરિડોર સંપૂર્ણપણે દેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવશે

મંત્રીના જણાવ્યા મુજબ ભારત હવે બુલેટ ટ્રેન બનાવવાની ટેકનોલોજી અને ક્ષમતા ધરાવે છે. મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારત અને જાપાનના સહયોગથી ચાલી રહ્યો છે, જ્યારે મુંબઈ–પુણે કોરિડોર સંપૂર્ણપણે દેશી ટેકનોલોજીથી વિકસાવવામાં આવશે. આ સાથે સરકારનું લક્ષ્ય અનેક શહેરોને હાઈ-સ્પીડ રેલ નેટવર્ક દ્વારા જોડવાનું છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુલ 7 નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોરને મંજૂરી આપી છે. તેમાં મુંબઈ–પુણે ઉપરાંત પુણે–હૈદરાબાદ, હૈદરાબાદ–બેંગલુરુ, હૈદરાબાદ–ચેન્નાઈ, ચેન્નાઈ–બેંગલુરુ, દિલ્હી–વારાણસી અને વારાણસી–સિલિગુડી જેવા મહત્વના માર્ગોનો સમાવેશ થાય છે.

પુણેમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જણાવ્યું કે મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેનના પ્રથમ વિભાગમાં આવતા વર્ષે કામગીરી શરૂ થશે અને ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન પણ શક્ય છે. હાલ આ 508 કિમી લાંબા પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાત વિસ્તારમાં ડક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. 

સમગ્ર રૂટ 2028 સુધી પૂર્ણ થવાની આશા

અધિકારીઓના જણાવ્યા મુજબ મુંબઈ–અમદાવાદ કોરિડોરમાં સુરત–વાપી સેક્શન પર 2027ના ઓગસ્ટ સુધીમાં ટ્રેન સેવા શરૂ થવાની શક્યતા છે, જ્યારે સમગ્ર રૂટ 2028 સુધી પૂર્ણ થવાની આશા છે. આ ટ્રેનો 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે બુલેટ ટ્રેન શરૂ થવાથી મુંબઈ, પુણે, અમદાવાદ, સુરત, હૈદરાબાદ સહિતના શહેરો એક મજબૂત આર્થિક અને સાંસ્કૃતિક ઈકોસિસ્ટમમાં જોડાશે, જે દેશના વિકાસને નવી ગતિ આપશે.

આ પણ વાંચો : સ્પીકર ઓમ બિરલાએ Mamata Banerjeeને આપી મોટી તક, શું TMC ભાગલામાંથી બચી શકશે?



  • Follow us on: