આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ભારતીય ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક કોઈ રાહત મળવાની નથી. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ સસ્તું થવાની અસર સામાન્ય જનતા સુધી એટલે કે પેટ્રોલ પંપ સુધી પહોંચવામાં ઘણો સમય લાગે છે અને તેની પાછળ ઘણા મહત્વના પરિબળો કામ કરે છે.
પેટ્રોલ-ડીઝલ તુરંત સસ્તું ન થવાનું કારણ શું?
કેન્દ્રીય મંત્રીએ સમજાવ્યું કે વૈશ્વિક બજારમાં કિંમતો ઘટતાની સાથે જ અહીં ઇંધણના ભાવ ઘટાડી શકાતા નથી. રિટેલ કિંમતો પર ઘણી બાબતો અસર કરે છે, જેમ કે સસ્તા કાચા તેલના કન્સાઇનમેન્ટને ભારત પહોંચવામાં લાગતો સમય. તેમણે ઉમેર્યું, 'સસ્તા ક્રૂડ ઓઇલને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) ના દરિયાઈ માર્ગે ભારત લાવવું પડે છે, જ્યાં જહાજોની અવરજવર ખૂબ જ વધારે હોય છે. આ પ્રક્રિયા અને લોજિસ્ટિક્સને સામાન્ય થવામાં સમય લાગે છે.'
તાજેતરમાં થયેલા ભાવવધારાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ગ્રાહકો પર પ્રતિ લીટર માત્ર 3.94 ની અસર પડી હતી. માત્ર વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ ઘટ્યા છે તેટલા માટે આ વધારો તરત જ પાછો ખેંચી શકાય નહીં.
કેન્દ્ર સરકારે ઉઠાવ્યો 12,000 કરોડનો બોજ
ફેબ્રુઆરી મહિનામાં પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં યુદ્ધ શરૂ થયા બાદથી તેલ કંપનીઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. મંત્રીએ દાવો કર્યો કે કેન્દ્ર સરકારે ગ્રાહકોને મોંઘવારીના આંચકાથી બચાવવા માટે આ નુકસાનનો મોટો હિસ્સો પોતે સહન કર્યો છે. આના કારણે કેન્દ્ર સરકારને અંદાજે 12,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે રાજ્યો પર નિશાન સાધતા કહ્યું કે, કોઈ પણ રાજ્ય સરકારે ઇંધણના વધેલા ભાવ પર એક્સાઇઝ ડ્યુટી (વેટ) ઘટાડીને પોતાની આવક ઓછી કરી નથી. કેન્દ્ર સરકાર અને તેલ કંપનીઓ બંનેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ નિર્ણયો જરૂરી છે.
કેરળમાં AIIMS ની સ્થાપના અંગે સ્પષ્ટતા
એક અલગ મુદ્દે વાત કરતા સુરેશ ગોપીએ જણાવ્યું કે કેરળમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ની સ્થાપના માટે નિયત પ્રક્રિયાનું પાલન કરવું પડશે. આ કોઈ 'બજારમાં ખરીદી કરવા' જેવી સામાન્ય બાબત નથી. તેમણે કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે. મુરલીધરનના નિવેદનો સામે અસંમતિ દર્શાવતા કહ્યું કે, રાજ્ય સરકારે આ મામલે બનેલી સમિતિને AIIMS માટે નક્કી કરેલી જગ્યાઓની યાદી સોંપવી પડશે, ત્યારબાદ જ આગળની ચર્ચા થશે.
આ પણ વાંચો:Canada:ઇમિગ્રેશનની કડક નીતિ નડી! કેનેડાની વસ્તીમાં નોંધાયો મોટો ઘટાડો, શું સરકાર ફરીથી નિયમો હળવા કરશે?