લાંબા સમયથી વસ્તી વધારા માટે સંપૂર્ણપણે ઇમિગ્રેશન (આપ્રવાસન) પર નિર્ભર રહેલા કેનેડામાંથી આશ્ચર્યજનક અહેવાલો સામે આવ્યા છે. કેનેડા સરકારે તાજેતરના વર્ષોમાં ઇમિગ્રેશન ટાર્ગેટમાં જે ઘટાડો કર્યો હતો, તેની સીધી અસર હવે દેશની વસ્તી પર દેખાવા લાગી છે. 'સ્ટેટિસ્ટિક્સ કેનેડા' (Statistics Canada) ના તાજેતરના સત્તાવાર આંકડાઓ અનુસાર, ૨૦૨૬ ના પ્રથમ ક્વાર્ટરમાં દેશની વસ્તીમાં ૦.૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. આનો અર્થ એ થયો કે દેશમાં આશરે ૫૫,૦૨૫ લોકોની અછત વર્તાઈ છે અને કુલ વસ્તી ઘટીને લગભગ ૪૧.૪ મિલિયન રહી ગઈ છે. કેનેડાની વસ્તીમાં સતત ત્રીજા ક્વાર્ટરમાં આ ઘટાડો નોંધાયો છે, જેના કારણે સરકારની વર્તમાન ઇમિગ્રેશન નીતિઓ પર સવાલો ઉભા થયા છે.


શા માટે ઘટી રહી છે વસ્તી?

નિષ્ણાતોના મતે, આ ઘટાડા પાછળ બે મુખ્ય કારણો જવાબદાર છે – પહેલું ઇમિગ્રેશન ટાર્ગેટમાં કરાયેલી કાપ મૂકતી નીતિ અને બીજું દેશનો સતત ઘટી રહેલો જન્મદર. 'મેકમાસ્ટર યુનિવર્સિટી' ના પ્રોફેસર બ્રુસ ન્યૂબોલ્ડના જણાવ્યા અનુસાર, કેનેડામાં 'બેબી બૂમ' ના સમયગાળા પછી જન્મદર સતત ઘટ્યો છે અને તે હવે વસ્તીના સંતુલન માટે જરૂરી 'રિપ્લેસમેન્ટ લેવલ' કરતા પણ નીચે પહોંચી ગયો છે. અત્યાર સુધી ઇમિગ્રેશન આ ખાધને પૂરી કરતું હતું, પરંતુ હવે સરકારી નીતિઓમાં કડકાઈ આવતા આ સંતુલન બગડ્યું છે.ઇમિગ્રેશન વિભાગ (IRCC) એ વર્ષ ૨૦૨૬ માટે આપ્રવાસીઓની સંખ્યા મર્યાદિત કરી છે. સરકારનો લક્ષ્યાંક ૨૦૨૭ ના અંત સુધીમાં દેશની “કામચલાઉ વસ્તી” (Temporary Population) ને કુલ વસ્તીના ૫ ટકાથી નીચે લાવવાનો છે.

શું કેનેડાનો ક્રેઝ ઘટી રહ્યો છે?

પ્રખ્યાત ઇમિગ્રેશન વકીલ ચેન્ટલ ડેસલોગ્સે જણાવ્યું કે, દેશમાં વધી રહેલા લિવિંગ કોસ્ટ (જીવનનિર્વાહ ખર્ચ) અને જાહેર જનતાના દબાણને કારણે સરકારે વર્ક પરમિત, સ્ટડી પરમિટ અને ફેમિલી ક્લાસ ઇમિગ્રેશનની મંજૂરીઓમાં મોટો ઘટાડો કર્યો છે. આ કડકાઈને કારણે હવે પ્રવાસીઓ કેનેડાના બદલે ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુકે જેવા દેશોને વધુ પસંદ કરી રહ્યા છે, જેનાથી કેનેડાનું આકર્ષણ ઘટ્યું છે. સાથે જ વર્ક અને સ્ટડી પરમિટમાં થતા વિલંબથી કંટાળીને ઘણા પ્રવાસીઓ પોતાના દેશ પરત ફરી રહ્યા છે.

હવે મોટો સવાલ એ છે કે શું કેનેડા સરકાર પોતાની આર્થિક વૃદ્ધિ અને લેબર માર્કેટને બચાવવા માટે ઇમિગ્રેશન પ્રક્રિયા ફરી ઝડપી બનાવશે? જોકે નિષ્ણાતો માને છે કે હાલ પૂરતું સરકાર જનતાના દબાણ હેઠળ આ કડક વલણ યથાવત રાખી શકે છે.

આ પણ વાંચો:Afghanistanમાં સ્માર્ટફોન વાપરવા પર પ્રતિબંધ! તાલિબાનનો આદેશ નહીં માનો તો નોકરી જશે અને જેલ પણ થશે

  • Follow us on: