જો તમે કનેડામાં સ્થાયી વસવાટ (Permanent Residence - PR) કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કનેડા સરકાર આગામી દિવસોમાં તેની મુખ્ય પીઆર પસંદગી પ્રણાલી એટલે કે 'એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ' (Express Entry System) માં મોટા સુધારા કરવાની તૈયારી કરી રહી છે. ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે, આ નવા નિયમો આગામી 12 થી 18 મહિનામાં લાગુ થઈ શકે છે. જો કે, નવા નિયમો આવે તે પહેલાં જ ભારતીય ઉમેદવારો પાસે પોતાની પ્રોફાઇલ મજબૂત કરવાની સુવર્ણ તક છે, જેથી ભવિષ્યમાં વધનારી સ્પર્ધામાં તેઓ પાછળ ન રહી જાય.
1. લેંગ્વેજ ટેસ્ટ (IELTS/CELPIP) માં સ્કોર સુધારો
કનેડા પીઆર પ્રોસેસમાં ભાષા પરની પકડ હંમેશાં સૌથી મોટું પરિબળ રહ્યું છે અને નવા નિયમોમાં પણ તેનું મહત્વ ઘટશે નહીં. જો તમારો IELTS કે CELPIP નો સ્કોર જૂનો થઈ ગયો હોય અથવા ઓછો હોય, તો ફરીથી પરીક્ષા આપીને સ્કોર સુધારવો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. સારો ભાષા સ્કોર હાલની CRS (Comprehensive Ranking System) માં પણ ફાયદો કરાવશે અને નવી રેન્કિંગ સિસ્ટમમાં પણ તમને રેસમાં આગળ રાખશે.
2. સ્કિલ્ડ વર્ક એક્સપિરિયન્સ (કુશળ કાર્ય અનુભવ) વધારો
પ્રસ્તાવિત સુધારા મુજબ, કનેડા સરકાર છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછો એક વર્ષનો સળંગ અને દસ્તાવેજી પુરાવા સાથેનો સ્કિલ્ડ વર્ક એક્સપિરિયન્સ ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે. ખાસ કરીને આઈટી (IT), હેલ્થકેયર, એન્જિનિયરિંગ, ફાઇનાન્સ અને ટ્રેડ સેક્ટરમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સે તેમના અનુભવના તમામ પ્રમાણપત્રો અને દસ્તાવેજો અત્યારથી જ મજબૂત અને વ્યવસ્થિત કરી લેવા જોઈએ.
3. પ્રોફેશનલ સર્ટિફિકેટ અને ટ્રેડ ક્વોલિફિકેશન મેળવો
નવા ફેરફારોમાં ટેકનિકલ અને ટ્રેડ પ્રોફેશન્સ (જેવા કે ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, વેલ્ડર, મિકેનિક) ને વધુ મહત્વ આપવામાં આવી શકે છે. જો તમે તમારા ક્ષેત્ર સંબંધિત કોઈ માન્યતા પ્રાપ્ત વૈશ્વિક કે પ્રોફેશનલ સર્ટિફિકેટ મેળવી લેશો, તો તમારી પ્રોફાઇલ અન્ય ઉમેદવારો કરતાં વધુ મજબૂત બનશે અને કનેડાના જોબ માર્કેટમાં પણ સીધો ફાયદો થશે.
અત્યારથી તૈયારી કેમ જરૂરી છે?
કનેડા સરકારે હજુ સુધી નવા નિયમોની સંપૂર્ણ રૂપરેખા સત્તાવાર રીતે જાહેર કરી નથી, પરંતુ એટલું સ્પષ્ટ છે કે જે ઉમેદવારોની પ્રોફાઇલ શૈક્ષણિક, અનુભવ અને ભાષાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હશે, તેમને નવી સિસ્ટમમાં પણ સૌથી પહેલા ઇન્વિટેશન (ITA) મળશે. તેથી, સમય બગાડ્યા વિના અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી હિતાવહ છે.
આ પણ વાંચો: Donald Trump:કુવૈત-UAE ગમે ત્યાં હુમલો કરો, પણ જો એક પણ અમેરિકન સૈનિક મર્યો તો યુદ્ધ પાકું:ટ્રમ્પ