મિડલ ઈસ્ટમાં કુવૈત અને UAE પર ઈરાનના સતત થઈ રહેલા હુમલા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. અમેરિકી અખબાર 'વોલ સ્ટ્રીટ જર્નલ' (WSJ) ના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાલમાં ઈરાન સાથે કોઈ મોટા પાયાના યુદ્ધમાં ઉતરવા માંગતા નથી. જો કે, તેમણે ઈરાન માટે એક કડક 'રેડ લાઈન' નક્કી કરી દીધી છે કે જો ઈરાની હુમલામાં કોઈ પણ અમેરિકન સૈનિકનું મોત થશે, તો અમેરિકા સીઝફાયર તોડીને ઈરાન પર ભીષણ લશ્કરી કાર્યવાહી કરશે.


ટ્રમ્પની પત્રકારો સાથે વાતચીત

અમેરિકા અને ઈરાન વચ્ચે ગત 8 એપ્રિલે યુદ્ધવિરામ લાગુ થયો હતો, પરંતુ આ અઠવાડિયે કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલા બાદ તણાવ ફરી ચરમસીમાએ પહોંચ્યો છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરતા ટ્રમ્પે જણાવ્યું હતું કે, મિડલ ઈસ્ટ જેવા વિસ્તારોમાં સીઝફાયરનો અર્થ સંપૂર્ણ શાંતિ નથી હોતો, ત્યાં નાના પાયે સંઘર્ષ ચાલતો રહે છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને વાટાઘાટોના દ્વાર ખુલ્લા છે.

અઠવાડિયામાં બંને દેશો વચ્ચે મોટો કરાર થઈ શકે છે.

બીજી તરફ, ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં બંને દેશો વચ્ચે કોઈ મોટો કરાર થઈ શકે છે. અમેરિકા એવા કરારના પ્રયાસમાં છે જેનાથી હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલી જાય અને ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમ તેમજ યુરેનિયમનો ભંડાર નષ્ટ કરવા તૈયાર થાય. જો કે, ઈરાનની માંગ છે કે પરમાણુ મુદ્દે વાતચીત આગળ વધારતા પહેલા અમેરિકા તેના પરથી આર્થિક પ્રતિબંધો હટાવે. હાલમાં બંને દેશો વચ્ચે આગામી 60 દિવસની વાટાઘાટોનો રોડમેપ તૈયાર કરવા માટે એક એમઓયુ (MoU) પર કામ ચાલી રહ્યું છે.

આ પણ વાંચો:Kuwait Airport Attack: કુવૈત એરપોર્ટ પર ઈરાને કરેલા હુમલાને લઈને વિશ્વભરમાં વિરોધ

  • Follow us on: